નવી દિલ્હી: પેટ્રોલના ભાવોમાં ફરી વધારો (Petrol price hike) કરવામાં આવતા ચેન્નાઇ (Chennai), પંજાબ (Punjab) અને કેરળ (Kerala)ના અમુક ભાગોમાં પણ પેટ્રોલના ભાવ લિટરે રૂ. 100ને (Overtake 100) પાર થયા હતા. દિલ્હી અને કોલકાતામાં ભાવ 100ની નજીક 99 રૂપિયા પર આવી ગયા છે. આ બે જ મેટ્રો શહેર છે જ્યાં ભાવે હજી સદી ફટકારી નથી.
આજે પેટ્રોલના ભાવોમાં લિટરે 35 પૈસાનો વધારો કરાયો હતો પણ ડિઝલના ભાવમાં કોઇ ફેરફાર નથી કરાયો. ગુરુવારે એલપીજીના 14.2 કિલોના બાટલામાં રૂ. 25.50નો વધારો કરાતા નોન સબસિડાઈઝ્ડ સિલિન્ડર હવે દિલ્હીમાં રૂ. 834.50 થયો છે. બે મહિનામાં પેટ્રોલના ભાવમાં આ 33મો વધારો હતો અને એનાથી સમગ્ર દેશમાં ભાવ નવી ઊંચાઇએ પહોંચી ગયા હતા. ચેન્નાઇમાં પેટ્રોલનો ભાવ હવે લિટરે રૂ. 100.13 થયો છે. ડિઝલનો ભાવ લિટરે રૂ. 93.72 યથાવત છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ લિટરે રૂ. 99.16 થયો છે અને કોલકાતામાં 99.04 થયો છે. અન્ય મેટ્રો શહેરો મુંબઈ, બેંગલુરુ, હૈદ્રાબાદ અને પૂણેમાં ભાવ ગયા મહિને જ 100ને પાર થઈ ગયો હતો.
વેટ જેવા સ્થાનિક વેરા અને નૂરના દરોને લીધે રાજ્યોમાં ઇંધણના ભાવ અલગ અલગ હોય છે. આથી પંજાબના અમુક સ્થળોએ અને સમગ્ર કેરળમાં ભાવ 100ને પાર થયો છે. આ સાથે રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, જમ્મુ અને કાશ્મીર, ઓડિશા, તમિલનાડુ, કેરળ, બિહાર, પંજાબ અને લડાખમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયાને પાર થઈ ગયા છે. પુડુચેરી અને ગેંગટોકમાં 99ની ઉપર છે. આજનો ભાવ વધારો 4થી મે પછી 33મો વધારો છે. 33 ભાવવધારામાં પેટ્રોલના ભાવ લિટરે રૂ. 8.76 અને 32 વધારામાં ડિઝલના ભાવ લિટરે રૂ. 8.45 વધી ગયા છે.
તાજેતરમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડના ભાવ વધ્યા છે અને એપ્રિલ 2019 પછી પહેલી વાર બ્રેન્ટ ક્રુડે બેરલ દીઠ 75 ડૉલરની સપાટી સ્પર્શી હતી. ડૉલર સામે રૂપિયો નબળો ચાલી રહ્યો છે.