સુરત: સુરત જિલ્લા નવનિયુકત કલેકટર (SURAT DISTRICT COLLECTOR) આયુષ ઓક (AYUSH OAK)એ સિટીના પાંચેય જનસેવા કેન્દ્ર (JAN SEVA KENDRA) ઉપર આવક સહિતના દાખલાઓ ઓનલાઇન (ONLINE) પ્રથા બંધ કરવા નિર્ણય કર્યો છે.
સુરત જિલ્લા સેવાસદન ખાતે આજે સાંજે સિટી મામલતદારના તાબા હેઠળના પાંચ જનસુવિધા કેન્દ્રની કામગીરીનું અવલોકન કર્યું હતું. આગામી પાંચ તારીખ સુધી મોટાભાગના વાલીઓેને આવક સહિતના દાખલા રજૂ કરવાના છે. આ મુદત પહેલા જનસેવા કેન્દ્રની કામગીરી ગતિશીલ બનાવવા તેમણે પરામર્શ કર્યો હતો. કલેકટર આયુષ ઓકએ જણાવ્યું હતું કે, આવતીકાલથી સુરત શહેરના તમામ જનસેવા કેન્દ્ર ઉપર આવક સહિત ક્રિમિલેયર અને નોનક્રિમીલેયર દાખલા માટે ઓનલાઇન એપોઇન્ટન્મેન્ટ આપવાનુ બંધ કરાશે. હવે ઓનલાઇન સિસ્ટમને બંધ કરી ઓફલાઇન અરજીઓ લેવાશે.
કલેકટરે કહ્યું હતું કે, ટાઉટો પાસે લોકોને ન જવું પડે અને ઝડપથી દાખલા મળી જાય તે માટે વ્યવસ્થાતંત્ર સેટ કરી દેવાયું છે. દરેક જનસેવા કેન્દ્ર ઉપર અરજદારે જાતે જવું પડશે. તેમને દાખલા માટે ટોકન આપવામાં આવશે. જેથી ઓનલાઇ એપાઇન્ટમેન્ટના સ્લોટમાં નંબર નહીં લાગવાની સમસ્યાનો અંત આવશે. આવકના દાખલાના ફોર્મ ભરાયા બાદ બીજા દિવસે દાખલા મળી જાય તે માટે પ્રયાસ જારી છે.
જનસેવા કેન્દ્રમાં ફેસિલિટેશન સેન્ટર શરૂ કરાશે
જિલ્લા કલેકટર આયુષ ઓકેએ કહ્યું હતું કે, પાંચેય જનસેવા કેન્દ્ર ઉપર ફેસિલિટેશન સેન્ટર શરૂ કરવામાં આવશે. જ્યાં એક માણસ બેસાડાશે, જે અરજદારોને આવક સહિતના દાખલાના ફોર્મ ભરવા માટે ગાઈડ કરશે. આ એક પ્રકારનું સહાયતા કેન્દ્ર જ હશે. જેમાં વાલીઓના આવકના ફોર્મ સાથે જરૂરી કાગળો ચેક કરી વિગતો ભરવા તેઓ નિ:શુલ્ક સેવા આપશે. તે માટે કોઇ રૂપિયા લેવાના નથી.
જનસેવા કેન્દ્ર ઉપર બે-બે ઓપરેટર પણ વધારશે
સુરત જિલ્લા કલેકટરે કહ્યું હતું કે, દર વર્ષે નવા એકેડેમિક યરના આરંભ પહેલા આવક સહિતના દાખલાઓ માટે ધસારો રહે છે. અરજદારોને ટાઉટો પાસે જવું પડે છે તેવી ફરિયાદો છે. પરંતુ હવે આ ફરિયાદનો અંત લાવી દેવાશે. જનસેવા કેન્દ્ર બહાર બેસતા લોકો સુધી કોઇને જવું નહિ પડે. સ્ટાફ વધારવા સાથે અલગ-અલગ દાખલા માટે જે ફોર સ્ટેજ પ્રોસિઝર છે તે ઝડપી બનાવાશે. આ માટે દરેક જનસેવા કેન્દ્ર ઉપર બે-બે ઓપરેટર વધારાના ફાળવવામાં આવશે. જેથી કામગીરી ઝડપી બનશે. ડેટા એન્ટ્રી સહિત ફોટા અને થમ્બ ઇમ્પ્રેશન સહિત ફી ભરવાની કામગીરી ઝડપી બનાવાશે.