નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Pm modi)એ દરેક નાગરિકને રસી (Vaccine) ઉપલબ્ધ કરાવવા રસીની ‘અછત’ સમાપ્ત કરવી જોઈએ અને આ મહત્વપૂર્ણ મુદ્દાથી ધ્યાન ભટકાવવાનું બહાનું ન બનાવવું જોઈએ. એમ કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી (Rahul gandhi)એ રવિવારે કહ્યું હતું. વડાપ્રધાને તેમના ‘મન કી બાત’ (Man ki baat) માસિક રેડિયો સંબોધનમાં રસી અંગે સંકોચ દૂર કરવાની વાત કર્યા પછી રાહુલ ગાંધીએ આ વાત કહી હતી. રાહુલ ગાંધીએ હિન્દીમાં ‘મન કી બાત’ હેશટેગનો ઉપયોગ કરીને એક ટ્વીટમાં કહ્યું કે, માત્ર એક જ કામ કરવાનું છે કે, રસીની અછત સમાપ્ત કરવામાં આવે. બાકીના બધા તો ધ્યાન દોરવાના બહાના છે.
અન્ય એક ટ્વિટમાં વેક્સિનેશન ઇન્ડિયા હેશટેગ સાથે કહ્યું કે, સૌપ્રથમ તમામ નાગરિકો માટે રસી ઉપલબ્ધ કરાવો. પછી તમે તમારી ‘મન કી બાત’ પણ કહી શકો છો. કૉંગ્રેસના નેતા પર વળતો પ્રહાર કરતા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે તેમના પર કોરોના રસી અંગે ‘ગેરસમજ, મૂંઝવણ અને ખોટી માહિતી ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. જેના કારણે ઘણા લોકો રસીનો ડોઝ લેવાની મનાઈ કરીને પોતાનો જીવ જોખમમાં મૂકે છે.
મ્યુકોર્માયકોસિસ માટેની દવાઓ માટેના સોર્સિંગ માટે ‘યુદ્ધના ધોરણે’ કામ કરી રહ્યા છે: કેન્દ્ર
બીજી તરફ કેન્દ્રએ સુપ્રીમ કૉર્ટને કહ્યું છે કે, વિશ્વવ્યાપી ભારતીય મિશન દેશમાં એમ્ફોટેરિસિન જેવી દવાઓ અથવા કોરોના સંબંધિત મ્યુકોર્માયકોસિસ (CAM)ની સારવાર માટે વધારાની અને વૈકલ્પિક દવાઓ માટેના સોર્સિંગ માટે ‘યુદ્ધના ધોરણે’ કામ કરી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શનિવારે સુપ્રીમ કૉર્ટેમાં ફાઇલ કરેલા 375 પાનાના સોગંદનામામાં મ્યુકોર્માયકોસિસ માટેની દવાની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવતા પગલાઓ અંગે સુપ્રીમ કૉર્ટની બૅન્ચના સવાલ અંગે જવાબ આપ્યો હતો. તેમાં જણાવાયું છે કે, ઓગસ્ટમાં ઘરેલું ઉત્પાદકો દ્વારા એલ-એમ્ફોટેરિસિન બીનું અનુમાનિત ઉત્પાદન 5.525 લાખ યુનિટ ઇન્જેક્શન હોવાની સંભાવના છે અને સમાન વિતરણ જાળવવા માટે રાજ્યોમાં નોંધાયેલા કેસના ભારણના પ્રમાણ દવાઓ આપવામાં આવે છે.
એમ્ફોટેરિસિન જેવી દવાઓની સ્થાનિક ઉત્પાદન સુવિધાઓ વધારવા ઉપરાંત, સરકારે કહ્યું કે, તેમણે દવાના ઉપયોગ અંગે માર્ગદર્શન જારી કરી છે અને રાજ્યો અને કેન્દ્રશાસિત કેન્દ્રોને ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં દવાની ફાળવણી અંગે પારદર્શક વ્યવસ્થા ગોઠવવી જરૂરી છે. હાલમાં એમ્ફોટેરિસિન દવાનું ઘરેલું ઉત્પાદન અને આયાત એમ બંને સ્રોતોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.