SURAT

સુરતમાં રાહુલ બાબાને મળવા આતુર કોંગી કાર્યકરો વિલા મોઢે પાછા વળ્યાં

સુરત: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ( rahul gandhi) આજે સુરત (Surat) કોર્ટ કેસ( court case)માં જુબાની આપવા માટે સુરત પહોંચ્યા હતા. જેથી રાહુલ બાબાના દર્શને કોંગી ભક્તો ઉમટી પડ્યા હતા. પરંતુ આ કાર્યકરોના મનની મનમાં જ હતી અને રાહુલ બાબાને મળવા આતુર કોંગી કાર્યકરો વિલા મોઢે પાછા વળ્યાં હતા.

માનહાનિના કેસમાં નિવેદન માટે કોંગ્રેસના રાહુલ ગાંધી સુરત આવ્યાં હતાં. રસ્તામાં અનેક કાર્યકર્તાઓ રાહુલ ગાંધીના સ્વાગત માટે ઉભા હતા, પણ રાહુલ બાબા ક્યાય ઉભા રહ્યા ન હતા અને સીધા કોર્ટમાં જુબાની આપવા પહોંચ્યા હતા. તેમના સુરત આગમનને પગલે ગુજરાત કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ સુરત પહોંચ્યા હતા. જેમાં ખાસ અમિત ચાવડા, પરેશ ધાનાણી, હાર્દિક પટેલ સહિતના નેતાઓ પણ સુરત પહોંચ્યા હતા. સુરત એરપોર્ટ પહોંચીને સૌથી પહેલા રાહુલ ગાંધીએ વીઆઈપી લેનમા વકીલ સાથે ચર્ચા કરી હતી.  પરંતુ રાહુલ ગાંધીનો કાફલો એરપોર્ટથી સીધો કોર્ટ અને કોર્ટથી નીકળી સીધા એરપોર્ટ નીકળી ગયો હતો..

ઉલ્લેખનીય છે કે સુરતમાં રાહુલ ગાંધીની એક ઝલક મેળવવા માટે વરસતા વરસાદમાં કાર્યકરો ઉમટી પડ્યાં હતાં. જેમાં અમૂક કાર્યકરો તો રાહુલ બાબા માટે ગીફ્ટ લઈને પણ આવ્યાં હતાં. પરંતુ રાહુલ બાબાને ભેટ આપવા થનગનતા કાર્યકરો રસ્તા પર ઉભા ના ઉભા જ રહી ગયા હતા અને રાહુલ ગાંધીનો કાફલો એરપોર્ટથી સીધો કોર્ટ અને કોર્ટથી નીકળી સીધો એરપોર્ટ નીકળી ગયો હતો. અને છેવટે એરપોર્ટથી રાહુલ ગાંધી દિલ્હી જવા નીકળી ગયા હતાં. જેથી વરસતા વરસાદમાં ઉભેલા કાર્યકરોની ગીફ્ટ પણ તેમની પાસે જ રહિ જતા તેમને ધક્કો માથે પડ્યો હતો.

મહત્વની વાત છે કે ઘણા દિવસે સુરત કોંગ્રેસમાં કોઈ કાર્યક્રમ યોજાયો હોય એમ રાહુલ ગાંધીના સ્વાગત અને તેમના અભિવાદન માટે કાર્યકરો દ્વારા અલગ અલગ તૈયારીઓ કરવામાં આવી હતી. સાથે જ સવારથી વરસાદ પડતો હોવા છતાં બાબાની એક ઝલક નિહાળવા અને કાર્યકરો તેમની ભેટ સોગાદો આપવા માટે થનગનતા હતાં. સુરતમાં એરપોર્ટથી કોર્ટ વચ્ચેના રસ્તામાં કોંગ્રેસના અલગ અલગ ઝોનના કાર્યકરો દ્વારા પોઈન્ટ બનાવીને ઉભા રહ્યાં હતાં. ઉપરાંત ખાસ અગ્રણી કાર્યકરો દ્વારા રાહુલ ગાંધીનું અદકેરું સ્વાગત કરવા માટે સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અલબત્ત ઘણી જગ્યા પર શંખનાદના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

મહિલા મોર્ચાના કાર્યકરોથી લઈને યુવા કાર્યકરો અને પીઢ કાર્યકરો પણ ઉભા હતાં. અને તેમની સામેથી જ રાહુલ ગાંધીનો કાફલો પસાર થઈ ગયો હતો. જો કે, રાહુલ ગાંધી કોઈને પણ મળવા ઉભા રહ્યા ન હતા, જેથી તમામ કાર્યક્રમનો એક રીતે ફિયાસ્કો થઇ ગયો હતો.

Most Popular

To Top