અમદાવાદ : ઘરે બેઠા બેઠા પૈસા કમાવવાની લાલચ આપીને ઓનલાઇન જોબ (Online job) વર્ક કરાવી લાખોની છેતરપિંડી (Fraud) કરતી સુરતની ગેંગ (Gang of Surat) પાંચ મહિલાઓ સહિત છ આરોપીઓની અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચે (Ahmadabad crime branch) ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતની આ છેતરપિંડી કરતી ગેંગના સભ્યો દ્વારા 1700થી વધુ લોકો પાસેથી ઓનલાઇન ખાતામાં પૈસા જમા કરાવીને અંદાજે 17.50 લાખની છેતરપિંડી કરી હોવાની પ્રાથમિક માહિતી બહાર આવી છે. આ અંગે અમદાવાદ શહેરના સાયબર ક્રાઈમના નાયબ પોલીસ કમિશનર અમિત વસાવાએ જણાવ્યું હતું કે, ઘરે બેઠા પૈસા કમાવવાની લાલચ આપીને ઓનલાઇન જોબ વર્ક કરાવી પૈસા પડાવતી સુરતની ગેંગના છ સાગરીતોની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી હતી.
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદના આધારે ટેક્નિકલ એનાલિસિસ અને ફોન લોકેશન આધારે તપાસ કરતા મોબાઇલ ફોનનું લોકેશન સુરત ઉત્રાણ વિસ્તારમાં મળી આવ્યું હતું. આ લોકેશનના આધારે તપાસ કરતા આરોપી 1, હાર્દિક ઘનશ્યામ વડાલિયા ( ઉં.વ. 24 રહે, બી-25 રાજલક્ષ્મી સોસાયટી, ડભોલી, સુરત) 2, રુચિતા મુકેશ નારોલા (ઉં.વ. 24 રહે, 375 પ્રમુખપાર્ક સોસાયટી,પુનાગામ, સુરત) 3, પ્રિયંકા નિતીનભાઈ ડાભી, ઉં.વ. 20 (રહે, એચ-2 104 ભક્તિધારા રેસીડેન્સી, ગોઠાણ રોડ, સાયણ, સુરત) 4, રૂપલ કિશોરભાઈ ટાંક ઉં.વ. 20 (રહે એ-302 સૌમિત્ર એપાર્ટમેન્ટ, હીરાબાગ, સુરત) 5, મોનિકા નરેશભાઈ કથીરિયા ઉં.વ. 24 (રહે, 71 એકતા રો-હાઉસ, લજામણી ચોક, સુરત) અને 6, ભૂમિકા નરેશભાઈ કથેરિયા ઉં.વ. 25, (રહે એકતા 71 એકતા રો-હાઉસ, લજામણી ચોક, સુરત)ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસની તપાસમાં કોલ સેન્ટરના સંચાલક આરોપી હાર્દિક વડાલિયાએ બેંકમાં એકાઉન્ટ ખોલાવી 17૦૦ થી વધુ લોકોના રૂપિયા 999, 1000, 998, 700, 799 જેવી નાની નાની રકમ ખાતામાં નંખાવીને 17.40 લાખ જેટલી રકમની છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે
અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતા ફરિયાદી સૈયદ અયાઝ રજાકમિયાના મોબાઈલ ઉપર મેસેજ આવ્યો હતો. આ મેસેજમાં ઘરે બેઠા ડેટા એન્ટ્રીનું કામ કરી પૈસા કમાવવાની ઓફર હતી. આથી તેઓએ આપેલા મોબાઈલ નંબર પર ફોન કરતા આરાધ્ય પટેલ નામની છોકરી સાથે વાતચીત થઈ હતી, તેણે વર્નીરાજ ઇન્ફોટેક ભાવનગર ખાતેથી બોલતી હોવાનું જણાવ્યું હતું, અને જોબ વર્ક બાબતે માહિતી આપી રૂપિયા 999 માં રજિસ્ટ્રેશન કરાવવા કહ્યું હતું. આથી સૈયદભાઈએ 999 રૂપિયા ભરીને રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. 20 -25 દિવસ થવા છતાં સામેથી કોઈ રિસ્પોન્સ ન આવતા કે જોબ વર્ક માટેની કોઈ મોબાઈલ ફોન પર લિંક ન આવતા પોતે છેતરાયા હોવાનું જણાતાં ફરિયાદ નોંધાવી હતી.