Dakshin Gujarat

લોકો પહેલા જ પરેશાન છે, આવામાં પોલીસ દ્વારા ત્રાસ આપાશે તો અમે આંદોલન કરતા ખચકાશું નહીં !

ખેરગામ: ખેરગામ, ચીખલી અને વાંસદાના ગ્રામ્ય વિસ્તાર (village area)માંથી ખાનગી વાહનો (private vehicle)માં મજૂરી કરવા માટે લઈ જતા ખાનગી વાહનચાલકોને અને મજૂરોને વલસાડ જિલ્લાની પોલીસ નવસારી જિલ્લાની સરહદ (navsari border) પર વગર કારણે પરેશાન કરી મેમો (memo) ફટકારે છે. આથી વાહનચાલકોએ ખેરગામ, ચીખલી અને વાંસદા મતવિસ્તારના ધારાસભ્ય અનંત પટેલને ખેરગામ ખાતે રજૂઆત કરી હતી. આ બાબતે ધારાસભ્યએ વાહન ચાલકોને ઘટતું કરવાની હૈયા ધરપત આપી હતી.

કોરોના (corona) જેવા ગંભીર રોગથી લોકો પીડાય રહ્યા છે. લોકોને બે ટકનું ભોજન મેળવવાના પણ ફાંફા પડી રહ્યા છે. ખાનગી કંપનીના કારખાનામાં મજૂરી કરવા જતાં મજૂરો તેમજ નોકરિયાતો માટે જીવાદોરી સમાન એસ.ટી. નિગમની બસ તેમજ રેલવે ટ્રેનો બંધ થઈ જતાં તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે વાપી, વલસાડ, નવસારી, સુરતના વિસ્તારોમાં આવતા ઉદ્યોગો તથા કારખાનામાં કામ કરતા ખેરગામ, ચીખલી અને વાંસદાના નોકરિયાત મજૂર વર્ગોએ જવા- આવવાની સરળતા રહે એ માટે ગામની જ ઇકો કાર વાન જેવા ખાનગી વાહનો ભાડે રાખતા હોય છે. પરંતુ વલસાડ-નવસારીની બોર્ડર પર પોલીસ કર્મીઓ દ્વારા વારંવાર મેમો આપી મોટો દંડ (big charges) વસૂલાતા શ્રમિક વર્ગની મુશ્કેલીમાં વધારો થઇ ગયો છે.

ઘણી વખત કોઈ મોટા બુટલેગરોને પકડતા હોય એવી રીતે પીછો પણ કરવામાં આવતો હોય છે. ત્યારે આ બાબતનું નિરાકરણ આવે એ માટે ખાનગી વાહનચાલકો દ્વારા ખેરગામ, ચીખલી અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને ખેરગામ ખાતે રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે ખાનગી વાહનચાલકોની રજૂઆત સાંભળીને ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે, કોરોનાના સમયમાં સરકારી એસ.ટી. બસો બંધ છે. સરકારે ગરીબ-મધ્યમ વર્ગને મદદ કરવી જોઈએ, ત્યારે ટાર્ગેટ પૂરો કરવા માટે નાના લોકોને પરેશાન કરી રહી છે. આવા સંજોગોમાં જો વલસાડ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ત્રાસ આપવામાં આવશે તો આવનારા સમયમાં અમે આંદોલન કરતા ખચકાશું નહીં. આ મિટિંગમાં ખેરગામ તાલુકા કોંગ્રેસ પ્રમુખ શશીન પટેલ, ચીખલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ, યુવા કોંગ્રેસના આગેવાન પુરવભાઈ સહિત આગેવાનો અને ખાનગી વાહનમાલિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

પોલીસ તંત્ર અપીલ ગ્રાહ્ય નહીં રાખે તો આંદોલન : અનંત પટેલ
ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારોમાંથી વલસાડ જિલ્લાની જુદી જુદી કંપનીઓમાં ખાનગી વાહનમાલિકો મજૂરોને મજૂરી માટે દરરોજ લઈ જાય અને લાવે છે. ખાનગી વાહનચાલકોને હેરાન કરવા વલસાડ પોલીસ તંત્ર જ્યારે નવા નવા કાયદા બતાવી ખોટી રીતે મોટા ચલણ કાપે છે, ત્યારે વલસાડ પોલીસ તંત્ર હવે હેરાન ન કરે એ માટે શરૂઆતમાં વિનંતી કરીશું અને વિનંતીને ગ્રાહ્ય નહી રાખશે તો આંદોલન કરીશું.

Most Popular

To Top