National

આકાશમાં ઉડતી ફલાઇટમાં લગ્ન કરવું ભારે પડ્યું: કોવિડ નિયમ ભંગ બદલ તપાસના આદેશ

નવી દિલ્હી, મદુરાઇ : મદુરાઇ (Madurai)માં સ્પાઇસજેટ એરલાઇન (spice jet airlines)નું એક વિમાન (flight) એક લગ્નની પાર્ટી (marriage function) માટે ભાડે રાખવામાં આવ્યું હતું અને આ વિમાન મહેમાનોને લઇને ઉડી રહ્યું હતું તે વખતે ભરઆકાશે તેમાં લગ્નની વિધિ યોજવામાં આવી હતી. આ લગ્નના વીડિયો સોશ્યલ મીડિયા (video viral on social media) પર ફરતા થતા અને તેમાં વિમાનમાં જ્યારે લગ્ન વિધિ થઇ ત્યારે મહેમાનો એકબીજાની ખૂબ નજીક ઉભેલા જણાતા આ બાબતે ઘણો ઉહાપોહ થયો હતો જે બાબતે ડીજીસીએ અને સ્થાનિક પ્રશાસને તપાસ (inquiry) શરૂ કરી છે.

મદુરાઇ એરપોર્ટથી 23 મી તારીખે સવારે 160 લોકો સાથે સ્પાઇસ જેટનું આ વિમાન રવાના થયું હતું. તે લગભગ બે કલાક સુધી આકાશમાં ઉડતું રહ્યું હતું અને તે દરમ્યાન જ તેમાં આ લગ્ન વિધિ યોજવામાં આવી હતી. આ લગ્ન વિધિના વીડિયોઝ સોશ્યલ મીડિયા પર ફરતા થયા હતા જેમાં જોઇ શકાતું હતું કે લગ્ન વિધિ વખતે વિમાનમાં લોકો એકબીજાની ખૂબ જ નજીક ઉભેલા હતા.

આના પછી ભારે ચર્ચા જાગી હતી. આ બાબતે મદુરાઇના જિલ્લા પ્રશાસને તપાસ શરૂ કરી છે. દેશના ઉડ્ડયન નિયંત્રક ડીજીસીએ દ્વારા પણ આ બાબતમાં તપાસ શરૂ કરવામાં આવી છે અને કોવિડના નિયમોનું પાલન નહીં કરાવવા બદલ તે ફ્લાઇટમાંના કર્મચારીઓને હાલ ફરજ પરથી દૂર કર્યા છે.

આ બાબતે પૂછવામાં આવતા સ્પાઇસજેટના એક પ્રવકતાએ ખુલાસો કરતા જણાવ્યું હતું કે એક ટ્રાવેલ એજન્ટે એક પાર્ટી માટે બોઇંગ 737 વિમાન ભાડે કર્યું હતું. તેણે જણાવ્યું હતું કે એક લગ્ન પછી મહેમાનોને જોય રાઇડ કરાવવા આ વિમાન ભાડે રાખવામાં આવી રહ્યું છે, મહેમાનોના જૂથને લેખિતમાં અને મૌખિક સૂચના આપવામાં આવી હતી કે વિમાનમાં કોવિડના નિયમોનું પાલન કરવું પડશે આમ છતાં તેનો ભંગ કરાયો છે. આ બાબતે મહેમાનો સામે ફરિયાદ નોંધાવવા ડીજીસીએ દ્વારા સ્પાઇસ જેટને સૂચના અપાઇ છે.

Most Popular

To Top