Sports

હવે IPLના ચાહકોને વધુ રાહ જોવી નઈ પડે: બાકીની મેચ 15 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબરમાં રમાવાની સંભાવના

નવી દિલ્હી : બાયો બબલમાં કોરોનાની એન્ટ્રી થયા પછી સ્થગિત કરી દેવાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની બાકી બચેલી મેચ યોજવા માટે બીસીસીઆઇ (BCCI) એ નવી વિન્ડો શોધી લીધી હોવાના અહેવાલો મીડિયા (MEDIA REPORT)માં પ્રસારિત થઇ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આઇપીએલની 14મી સિઝન (IPL 14 SEASON)ની બાકી બચેલી 31 મેચ (LEFT MATCHES)નું આયોજન 15 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર દરમિયાન યુએઇમાં આયોજન કરવામાં આવે તેવી સંભાવના છે.

એક અંગ્રેજી અખબારના અહેવાલમાં સુત્રોને ટાંકીને કહેવાયું છે કે આ પહેલા યુએઇમાં આઇપીએલની 13મી સિઝનનું સફળ આયોજન થઇ ચુક્યું છે અને એ સ્થિતિમાં 14મી સિઝનની બાકી બચેલી મેચનું આયોજન પણ ત્યાં જ કરાવવાનું આયોજન ઘડાયું છે. સૂત્રોને ટાંકીને અહેવાલમાં કહેવાયું છે કે બીસીસીઆઇની 29મી મેના રોજ મળનારી સ્પેશિયલ જનરલ મીટિંગ (એસજીએમ)માં આ સંબંધે નિર્ણય કરીને નવા વેન્યુ અને તારીખોની જાહેરાત કરી શકે છે.

અહેવાલો અનુસાર ભારતના ઇંગ્લેન્ડ પ્રવાસમાં બીજી અને ત્રીજી ટેસ્ટ વચ્ચે 9 દિવસનો ગાળો છે. જો આ ગાળાને 9 દિવસથી ઘટાડીને 4 કે પાંચ દિવસનો કરવામાં આવે તો તેનાથી બીસીસીઆઇને આઇપીએલ માટે થોડા વધારાના દિવસો મળી શકશે. આ મામલે હાલમાં બીસીસીઆઇ અને ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી) વચ્ચે વાત ચાલી રહી છે. જો કે એમ નહીં થાય તો પણ બીસીસીઆઇની પાસે 15 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબરનો એક મહિનાનો વિન્ડો હશે, જેમાં તે 31 મેચનું આયોજન કરાવી શકશે.

આઇપીએલના નોકઆઉટ સ્ટેજ માટે પાંચ દિવસ અલગ રાખવા સહિતનું ગણીત સમજી લો
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની બે ટેસ્ટ વચ્ચેના સમયના ગાળાને જો ઓછો નહીં કરવામાં આવે તો જે 30 દિવસની વિન્ડો છે, તેમાં ભારત અને ઇંગ્લેન્ડના ખેલાડીઓને યુકેથી યુએઇ વાવવા માટે એક દિવસ અલગ રાખવો પડશે. આ ઉપરાંત નોકઆઉટ સ્ટેજ માટે પાંચ દિવસ અલગ રાખવા પડશે. આ સ્થિતિમાં બીસીસીઆઇ પાસે 27 મેચ પુરી કરવા 24 દિવસનો સમય બાકી રહેશે. આ વિન્ડોમાં 4 શનિ અને 4 રવિવાર હોવાથી વિકેન્ડમાં ડબલ હેડરની મેચો યોજીને 8 દિવસમાં 16 મેચ રમાડી શકાશે અને બાકીની 11 મેચ 19 દિવસનાં યોજવી પડશે.

Most Popular

To Top