Dakshin Gujarat Main

જગતના તાતના માથે ત્રાટક્યું વાવાઝોડું: સુરત સહિત દક્ષિણના ખેડૂતોને 500 કરોડનું નુકશાન

સુરત: તાઉતે વાવાઝોડા (cyclone tauktae)ની સીધી અસર સુરત (surat) સહિત દક્ષિણ ગુજરાત (South Gujarat)ના કાંઠા વિસ્તાર (coastal area)માં જોવા મળી હતી. 65 કિલોમીટરથી વધુ ઝડપે ફરી વળેલા પવન સાથે ભારે વરસાદ થતાં ખેતીને વ્યાપક (destroy farming) નુકસાન થયું છે.

દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, તાપી અને નર્મદા જિલ્લાના ખેતીવાડી અધિકારીઓ (farming officers) દ્વારા જે પ્રાથમિક સર્વે કરવામાં આવ્યો છે તે મુજબ દક્ષિણ ગુજરાતના ખેડૂતોને 500 કરોડનું નુકસાન (500 crore loss) થયું છે. તે પૈકી 250 કરોડથી વધુ નુકસાન માત્ર સુરત જિલ્લાના ઓલપાડ, માંગરોળ, પલસાણા, ઉમરપાડા, બારડોલી, ચોર્યાસી, કામરેજ, મહુવા અને સુરત સિટી વિસ્તારમાં થયું છે. જિલ્લાના સહકારી આગેવાન અને ખેડૂત અગ્રણી જયેશ એન. પટેલે (દેલાડ) જણાવ્યું હતું કે, 50 ટકા ખેતરોમાં પાણી ભરાતા 150 કરોડ સુધી માત્ર ડાંગરના પાકને નુકસાન થયું છે.

સુરત જિલ્લાના 4 તાલુકામાં 40 હજાર ટન શેરડીનો પાક ખરાબ થવાની દહેશત

  • સાયણ સુગરની 4 તાલુકાઓમાં શેરડીની કાપણી બાકી હતી. 2000 એકરમાં 40 હજાર ટન શેરડીના પાકને નુકસાન થયાનો અંદાજ છે.
  • સુરત, નવસારી, વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાઓમાં 1 લાખ એકરમાં આવેલી આંબાવાડીઓમાં 70 ટકા તૈયાર કેરી વાવાઝોડાને કારણે પડી ગઇ છે. તે મુજબ કેરીના પાકને 300 કરોડનું નુકસાન થયું છે.
  • સુરત, ભરૂચ, નર્મદા જિલ્લા સહિતના દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં 10 હજાર એકર જમીનમાં ઊભેલા કેળાના પાકને 60 ટકાથી વધુ નુકસાન થયું છે.
  • શાકભાજીમાં પરવળ, ટીંડોળા, ભીંડાના પાકને નુકસાન થયું છે. જયારે ફળોમાં પપૈયા, કેળા, ચીકુ, કેરી સહિતના પાકને નુકસાન થયું છે.

જિલ્લામાં 9 તાલુકાઓમાં 26998 હેક્ટર જમીનમાં પાકને અસર થઇ : એન.જી. ગામીત
જિલ્લા ખેતીવાડી અધિકારી એન.જી. ગામીતે જણાવ્યું હતું કે સરકારના આદેશને પગલે ખેતીવાડી વિભાગની ટીમે ઓલપાડ, માંગરોળ, પલસાણા, ઉમરપાડા, સુરત સિટી, બારડોલી, ચોર્યાસી, કામરેજ, મહુવા, માંડવી સહિતના તાલુકાઓમાં પાક વાઇસ અસરગ્રસ્ત પાક અને તેના વિસ્તારનો પ્રાથમિક સર્વે કર્યો છે. ડાંગર, શાકભાજી, કેળા, પપૈયા, કેરી, મગફળી, તલ, શેરડી, અડદ, મગ સહિતના પાકને અસર થઇ છે. 9 તાલુકા અને સિટી વિસ્તાર મળી 26998 હેકટર જમીનમાં થયેલા વાવેતરને નુકસાન થયું છે. અંદાજીત 14577 હેકટર વિસ્તારમાં ખેતી, શાકભાજી, ફળફળાદીના પાકને પ્રાથમિક સર્વેમાં નુકસાન જોવા મળ્યું છે. એન.જી. ગામીતે વધુમાં જણાવ્યું હતું કે પ્રાથમિક સર્વેમાં ઓલપાડ, મહુવા, કામરેજ, બારડોલી અને માંગરોળ તાલુકામાં ખેતીના પાકને વધુ અસર થઇ છે આ અંગેનો રિપોર્ટ સરકારને મોકલવામાં આવશે.

કયા તાલુકામાં કેટલો વિસ્તાર અસરગ્રસ્ત બન્યો
તાલુકા અસરગ્રસ્ત વિસ્તાર(હેક્ટરમા)
બારડોલી 1050
ચોર્યાસી 331
કામરેજ 2150
મહુવા 3093
માંડવી 654
માંગરોળ 1070
ઓલપાડ 5138
પલસાણા 537
ઉમરપાડા 392
સુરત સિટી 162

મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ ખેડૂતોને વળતર આપવા સરકારમાં રજુઆત કરાશે: જયેશ દેલાડ
જિલ્લાના સહકારી આગેવાન અને ખેડૂત અગ્રણી જયેશ એન. પટેલ (દેલાડ)એ જણાવ્યું હતું કે તાઉતે વાવાઝોડાને લીધે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં ખેતી અને શાકભાજીના પાકોને વ્યાપક નુકસાન થયું છે. મહુવા, કામરેજ, બારડોલી અને માંગરોળ તાલુકામાં પણ નુકસાન થયું હોવાની વિગત મળી છે. આ મામલે સરકારને મુખ્યમંત્રી, કૃષિ મંત્રી અને પ્રદેશ પ્રમુખને કિસાન સહાય યોજના હેઠળ ખેડૂતોને પ્રતિ હેકટરે 20 હજાર વધુ સહાય ચૂકવવા રજુઆત કરાશે. ખેડૂતોની લાગણી છે કે સરકાર અત્યારે આ યોજના હેઠળ મહત્તમ બે હેકટર માટે વળતર ચુકવે છે. તેમાં બે હેકટરની મર્યાદા ઉઠાવી લેવાની જરૂર છે. જિલ્લામાં ખેતીને થયેલા નુકસાન અંગે ધારાસભ્ય અને કૃષિ મંત્રી રજુઆત કરાયા પછી તાત્કાલિક પ્રાથમિક સર્વે કરવામાં આવ્યો તે માટે સરકારના આભારી છીએ બાગાયતી પાકને વિમા યોજનાનો લાભ મળતો નથી. તે જોતા વાવાઝોડાને કુદરતી આફત ઘણી તેમને પણ વળતર મળવું જોઇએ તે માટે સરકારમાં ધારાસભ્ય સાથે મળી રજુઆત કરાશે.

પ્રધાનમંત્રી વિમા યોજના અને મુખ્યમંત્રી સહાય યોજના હેઠળ અસરગ્રસ્ત ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવે: ખેડૂત સમાજ
દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલ (ઓરમા)એ જણાવ્યું હતું કે ઓલપાડ, કામરેજ, મહુવા, માંગરોળ સહિતના તાલુકાઓમાં ડાંગર, કેળા, કેરી, પપૈયા અને શાકભાજીના પાકને મોટુ નુકસાન થયું છે. સરકાર પ્રધાનમંત્રી વિમા યોજના હેઠળ માવઠા કે કમોસમી વરસાદમાં વળતર ચુકવતી નથી. એવી જ રીતે માત્ર ખરીફ પાક માટે જો પાકને 40 ટકાથી વધુ નુકસાન થાય તો હેકટર દીઠ 20 હજાર લેખે મહત્તમ 2 હેકટર પુરતુ ખુબ ઓછુ વળતર આપે છે. પરંતુ તાઉતે વાવાઝોડાને કુદરતી આફત ઘણી રાજ્ય અને કેન્દ્ર સરકારને રાહત પેકેજ જાહેર કરવા જોઇએ.

કેન્દ્રની યોજનાના આપત્તિ ફંડમાંથી 25 ટકા કેન્દ્રએ અને 25 ટકા રાજ્ય સરકારે એસડીઆરએમ ફંડમાંથી રાહત આપવી જોઇએ. ખેડૂત સમાજે જે પ્રાથમિક આંકડાઓ મેળવ્યા છે તે પ્રમાણે સુરત જિલ્લાના ખેડૂતોને 400 કરોડ અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોને 1000 થી 1200 કરોડનું નુકસાન થયું છે. જિલ્લાના ખેડૂત સંગઠન દ્વારા નુકસાનીના આંકડા મેળવવામાં આવી રહ્યા છે.

Most Popular

To Top