National

મુંબઈ અને કોંકણમાં તોઉતેનું તાંડવઃ ભારે પવન અને વરસાદથી તારાજીના પગલે 6 ના મોત

મુંબઇ: ગુજરાત તરફ આગળ વધી રહેલા તાઉતે વાવાઝોડાની અસરથી દેશના આર્થિક પાટનગર મુંબઇમાં અને તેની આજુબાજુના વિસ્તારો તથા મહારાષ્ટ્રના કોંકણ પ્રદેશમાં આજે તોફાની પવનો સાથે ભારે વરસાદ થયો હતો અને કોંકણમાં વાવાઝોડાને લગતી વિવિધ ઘટનાઓમાં કુલ છ જણાનાં મોત નીપજ્યાં હતાં જ્યારે બે હોડીઓ દરિયામાં ડૂબી ગયા પછી ત્રણ ખલાસીઓ લાપતા બન્યા હતા.

મુંબઇગરાઓ આજે સવારે સખત પવનો અને ભારે વરસાદના અવાજ સાથે ઉઠ્યા હતા. અરબી સમુદ્રમાં કેરળથી ગુજરાત તરફ આગળ વધી રહેલ તાઉતે વાવાઝોડાની પ્રચંડ સિસ્ટમ ગઇકાલે કર્ણાટક અને ગોવા નજીકથી પસાર થયા બાદ આજે વહેલી સવારે મુંબઇ નજીક આવી પહોંચી હતી. આ વાવાઝોડાની અસરને કારણે કોંકણ, મુંબઇ અને તેની આજુબાજુના વિસ્તારોમાં તોફાની પવનો સાથે ભારે વરસાદ શરૂ થઇ ગયો હતો. મુંબઇમાં તોફાની પવનો અને વરસાદ વચ્ચે વૃક્ષો પડવા જેવી ઘટનાઓને કારણે અનેક સ્થળે લોકલ ટ્રેન સેવાઓ ખોરવાઇ ગઇ હતી. ઘાટકોપર અને વિક્રોલી વચ્ચે એક ઝાડ તૂટીને ઓવરહેડ લાઇન પર પડતા આ રૂટ પર ટ્રેન સેવાઓ ખોરવાઇ હતી.

હાર્બર લાઇન પર એક વિનાઇલ બેનર તૂટી પડતા ટ્રેન સેવાઓ લગભગ અડધો કલાક કરતા વધુ સમય સુધી ખોરવાયેલી રહી હતી. કેટલાક પ્લેટફોર્મો પરના પ્લાસ્ટીકના પતરા પણ ઉડી ગયા હોવાનું જાણવા મળે છે. કોંકણના રાયગઢમાં ત્રણનાં, સિંધુદુર્ગમાં એકનું, નવી મુંબઇ અને ઉલ્હાસનગરમાં બેનાં મોત વૃક્ષ પડવાની ઘટનાઓને કારણે થયા હતા. બપોરના બે વાગ્યા સુધીમાં રાયગઢમાં ૧૮૮૬ મકાનોને આંશિક નુકસાનના અને પાંચ મકાનો સંપૂર્ણ નષ્ટ થયાના અહેવાલ હતા. મુંબઇમાં લગભગ આખો દિવસ વરસાદ ચાલુ રહ્યો હતો અને છ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.

કોંકણના સિંધુદુર્ગ વિસ્તારમાં સાત નાવિકો સાથેની બે નૌકાઓ ડૂબી જતા એકનું મોત થયું હતું જેનો સમાવેશ કોંકણના છ મૃતકોમાં થાય છે. જ્યારે ત્રણ લાપતા બન્યા હતા. બાકીના ત્રણ સલામત કિનારે આવી ગયા હતા. હવામાન વિભાગે મુંબઇમાં આગામી કેટલાક કલાકો સુધી વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી હતી. તોફાની પવનો અને વરસાદને કારણે મુંબઇ એરપોર્ટ આજે સવારથી બંધ કરી દેવાયું હતું જ્યારે અનેક સ્થળે માર્ગ વાહન વ્યવહારને પણ અસર થઇ હતી. ૧૪૦ વ્યક્તિઓ સાથેના બે બાર્જ અરબી સમુદ્રમાં ફસાયા હોવાનું જાણવા મળે છે.

Most Popular

To Top