વાપી: વાપી (vapi) પાલિકા વિસ્તારની સાત કોવિડ હોસ્પિટલ (covid hospital) પૈકી છ પાસે ફાયર સેફ્ટી (fire safety)ની પુરતી વ્યવસ્થા નહીં હોવાથી છ હોસ્પિટલને સુરત મહાનગર પાલિકાના ફાયર સેફ્ટી વિભાગે નોટિસ (notice) ફટકારી છે. વાપી પાલિકા વિસ્તારમાં હાલ સાત કોવિડ હોસ્પિટલ છે. એક નાની આઠમી હોસ્પિટલ પણ છે. પરંતુ આ સાત કોવિડ હોસ્પિટલ મુખ્ય છે. તાજેતરમાં જ સુરતમહાનગર પાલિકાના ફાયર ઓફિસર દીપકભાઇ મખિજાનીએ વાપીની કોવિડ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી માટે તપાસ કરી હતી. બધી હોસ્પિટલમાં તપાસ દરમિયાન મોટાભાગની હોસ્પિટલમાં એકથી વધુ એક્ઝિટ (fire exit) (બહાર નીકળવાનો રસ્તો) નહીં હોવાનું જણાયું હતું.
વાપી પાલિકાની ટીમ પણ આ તપાસ દરમિયાન સાથે રહી હતી. કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનની સપ્લાય તેમજ આઇસીયુમાં એસી હોવાથી અહીં આગની સંભાવના વધુ જોવા મળે છે. કોવિડ હોસ્પિટલમાં હાલ જે સ્થિતિ છે તે જોતા સારવાર લઇ રહેલા દર્દીઓની સલામતીને જોતા ફાયર સેફ્ટી માટે તંત્રએ શખ્ત બની ફાયર સેફ્ટીની પ્રાયોરિટી નક્કી કરી છે. કેટલીક જગ્યાએ કોવિડના હોસ્પિટલમાં લાગેલી આગને લઇ ઘણાએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હોવાથી આ બાબતે ફાયર વિભાગ સક્રિય બન્યો છે. વાપીમાં શ્રદ્ધા હોસ્પિટલમાં હાલમાં જ આ અંગે પાલિકાના ફાયર વિભાગે મોકડ્રીલ પણ કરી હતી. હજી આ પ્રક્રિયા ચાલું રહેશે. જોકે વાપી પાલિકા વિસ્તારના કોવિડ હોસ્પિટલ પૈકી બે હોસ્પિટલ પાસે ફાયર સેફ્ટીની એનઓસી છે. જ્યારે પાંચ હોસ્પિટલ પાસે તો એનઓસી જ નથી. હવે કોવિડ હોસ્પિટલને લઇને ચાલી રહેલી તકેદારીમાં વાપીમાં છ હોસ્પિટલને નોટિસ આપી ફાયર સેફ્ટીની જરૂરી સુવિધા કરવા તાકીદ કરી છે. આમ એક તરફ કોરોના સાથે હોસ્પિટલમાં તબીબ જંગ લડી રહયા છે ત્યારે વ્યસ્થામાં પણ કેટલીક ત્રુટીઓ છે જેમાં ફાયર સેફ્ટી મુખ્ય છે તેના પ્રત્યે પણ હવે હોસ્પિટલના સંચાલકોએ યુધ્ધના ધારણે વ્યવસ્થા ઊભી કરવી પડશે.
હોસ્પિટલમાં અન્ય એક્ઝિટ નહીં હોવાથી નોટિસ
સુરત મહાનગરપાલિકાના ફાયર ડીપાર્ટેમેન્ટમાં ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર દીપકભાઇ મખિજાની જે દક્ષિણ ગુજરાતમાં મુખ્ય ફાયર ઓફિસર તરીકે કાર્યરત છે તેમણે તાજેતરમાં વાપી પાલિકા વિસ્તારની કોવિડ હોસ્પિટલમાં તપાસ કરીને નોટિસ આપી છે. દીપકભાઇએ ‘ગુજરાતમિત્ર’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, વાપીમાં સાત પૈકી છ કોવિડ હસ્પિટલમાં અન્ય એક્ઝિટની વ્યવસ્થા હોવી જોઇએ તે જોવા મળી નથી. આ ઉપરાંત પણ ઓક્સિજન પાઇપ લાઇન તેમજ આઇસીયુમાં પણ આગ નહીં લાગે તેના માટે કેટલીક વ્યવસ્થા ઊભી કરવા હાલ તો છ કોવિડ હોસ્પિટલને નોટિસ આપી છે.