ભારતે ચાઇના જેવા હોસ્પિટલ મોડેલ અપનાવવું જોઈએ અને સંપૂર્ણ લોકડાઉન જરૂરી છે : અમેરિકન નિષ્ણાંત – Gujaratmitra Daily Newspaper

National

ભારતે ચાઇના જેવા હોસ્પિટલ મોડેલ અપનાવવું જોઈએ અને સંપૂર્ણ લોકડાઉન જરૂરી છે : અમેરિકન નિષ્ણાંત

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન(ના મુખ્ય તબીબી સલાહકાર ડો. એન્થોની ફોકીએ ભારતને કોરોનાની બીજી તરંગથી સર્જા‍યેલ વિનાશથી બચવા કેટલાક પગલા ભરવાની સલાહ આપી છે. આમાં કેટલાક અઠવાડિયા માટે દેશમાં તાત્કાલિક સંપૂર્ણ લોકડાઉન અને ચીન જેવી ઇમરજન્સી હોસ્પિટલો બનાવવાનો સમાવેશ થાય છે.

ડો. ફોકીએ કહ્યું છે કે ભારત સરકારે કોરોના વાયરસના નિયંત્રણની ઘોષણા કરવામાં “ઉતાવળ” કરી હતી. તેમણે ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ભારત (INDIA) અત્યારે મુશ્કેલ અને નિરાશાજનક સ્થિતિમાં છે. ડો.ફોકીના કહેવા પ્રમાણે, “ભારતમાં તાત્કાલિક કેટલાક અઠવાડિયાના લોકડાઉનને અમલમાં મૂકવાની જરૂર છે. ઓક્સિજન (OXYGEN), ડ્રગ્સ (DRUGS) અને પી.પી.ઇ. કીટ (PPE KIT)નો પુરવઠો પણ વધારવો પડશે. આપણે જાણીએ છીએ કે એક વર્ષમાં ચીનમાં કોરોનાનો મોટો વિસ્ફોટ થયો હતો. અને તેઓએ જેમ પહેલા પૂર્ણ લોકડાઉન કર્યું છે એમ ફરી લાદવામાં આવ્યું હતું. જો તમે હમણાં લોકડાઉન કરો છો, તો તમારે છ મહિના સુધી તેની જરૂર નથી. તમે લોકડાઉન કરીને ચેપને અસ્થાયીરૂપે ફેલાવવાથી રોકી શકો છો. “

તેમણે કહ્યું કે આની સાથે જલ્દીથી લોકોને રસી અપાય તે પણ જરૂરી છે. આ કરવાથી હોસ્પિટલમાં ઓક્સિજન, પથારીનો અભાવ જેવી મોટી સમસ્યાઓથી બચી શકાય છે. તેમણે ચીન જેવી હંગામી હોસ્પિટલો બનાવવાની જરૂરિયાતની પણ હાકલ કરી હતી. વિશ્વના અન્ય દેશોને પણ ભારતની મદદ માટે આગળ આવવા વિનંતી કરી. તેમણે કહ્યું, “ભારતે ઓક્સિજનની તંગી દૂર કરવા, દવાઓની સપ્લાય વધારવા માટે એક કમિશન અથવા ઇમરજન્સી જૂથ બનાવવું જોઈએ. તે વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) અને યુએસ જેવા દેશોની મદદ પણ લઈ શકે છે. અન્ય દેશોએ આ પગલું લેવું જોઈએ અને ભારતને મોટી મુશ્કેલીમાંથી બચાવવાનો પ્રયાસ કરવો જોઇએ. ” ડો. ફોકીએ ભારતને સલાહ આપી કે કોરોના વાયરસથી થતા મોટા વિનાશનો સામનો કરવા માટે ચીનમાં લેવામાં આવેલા પગલાં અપનાવવા જરૂરી છે. 

ડો.ફોકી કહે છે કે “તમને યાદ હશે કે ચીને થોડા અઠવાડિયામાં મોટા પાયે સારવાર માટે ઇમર્જન્સી યુનિટ બનાવ્યું હતું. એ એક સિદ્ધિ હતી તેની અવગણના ન કરવી. ટેલિવિઝન પર ભારતની પરિસ્થિતિ જોયા પછી મને લાગે છે કે ત્યાં મોટા પ્રમાણમાં હોસ્પિટલ અને તબીબી સંભાળની જરૂર છે.” યુ.એસ.માં કોરોના સામે લોકોને ઝડપી રસીકરણ આપવામાં મોટો ફાળો આપનાર ડો.ફોકીનું માનવું છે કે ભારતમાં લોકોને રસી આપવાની ગતિ ખૂબ ઓછી છે જેને ટૂંક સમયમાં વધારવી પડશે.

Most Popular

To Top