મુંબઇ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં આવતીકાલે શનિવારે જ્યારે રાજસ્થાન રોયલ્સ (RAJSTHAN ROYALS) અને કોલકોતા નાઇટ રાઇડર્સ (KKR) અહીં સામસામે આવશે ત્યારે ટોપ ઓર્ડરની નિષ્ફળતાને કારણે સતત હારતી આવેલી બંને ટીમ એકબીજાની નબળાઇનો ફાયદો ઉઠાવીને જીતના માર્ગે પરત ફરવા માગશે.
ઇંગ્લેન્ડની વર્લ્ડ ચેમ્પિયન ટીમના કેપ્ટન ઇયોન મોર્ગનની આગેવાની હેઠળની કેકેઆર અને ઓછો અનુભવ ધરાવતા સંજૂ સેમસનની આગેવાની હેઠળની રાજસ્થાન રોયલ્સ અત્યાર સુધી એક યુનિટ તરીકે પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહી છે. બંને ટીમની સમસ્યા સરખી છે, તેના ટોપ ઓર્ડરના બેટ્સમેન મોટો સ્કોર કરવામાં કે ભાગીદારીઓ કરવામાં નિષ્ફળ રહ્યા છે. બંને ટીમોની છેલ્લી મેચમાં લોઅર મિડલ ઓર્ડરે સ્થિતિ સંભાળી હતી, જો કે તેઓ મેચ જીતાડી શક્યા નહોતા. કેકેઆરે પોતાની પહેલી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવ્યું હતું પણ તે પછી સતત ત્રણ પરાજય સાથે તે પોઇન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે. જ્યારે રાજસ્થાન રોયલ્સે પહેલી મેચ પંજાબ કિંગ્સ સામે ગુમાવ્યા પછી દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં જીત મેળવી અને તે પછી બે મેચ તે હારી ચુક્યું છે.
કેકેઆર માટે દિનેશ કાર્તિક અને આન્દ્રે રસેલ ફોર્મમાં પાછા ફર્યા તે પોઝિટિવ બાબત રહી છે અને એ સ્થિતિમાં રસેલને ઉપલા ક્રમે મોકલવાનો નિર્ણય તેમના માટે ખોટો નહીં રહે, કારણ લોઅર મિડલ ઓર્ડરમાં કમિન્સ જવાબદારી સંભાળવામાં સક્ષમ છે.