મુંબઇ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની અહીં રમાયેલી 16મી મેચમાં રાજસ્થાન રોયલ્સે (RAJSTHAN ROYALS) ખરાબ શરૂઆત છતાં શિવમ દુબેના 32 બોલમાં 46 અને રાહુલ તેવટિયાના 23 બોલમાં 40 રનની મદદથી મુકેલા 178 રનના લક્ષ્યાંકને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે (RCB) દેવદત્ત પડ્ડીકલની નોટઆઉટ 101 અને વિરાટ કોહલીની 72 રનની નોટઆઉટ ઇનિંગ(NOT OUT INNINGS)ની મદદથી 16.3 ઓવરમાં જ કબજે કરી લઇને મેચ 10 વિકેટે જીતી લીધી હતી. આરસીબીની આઇપીએલમાં આ 200મી મેચ હતી.
લક્ષ્યાંક આંબવા મેદાને પડેલી આરસીબીને કેપ્ટન વિરાટ કોહલી અને દેવદત્ત પડ્ડીકલની ઓપનીંગ જોડીએ શરૂઆતથી જ જોરદાર બેટિંગ કરીને સતત 10 રનની રનરેટ જાળવી રાખી હતી. પડ્ડીકલે કમાલની બેટિંગ કરીને 52 બોલમાં 11 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 101 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. જ્યારે વિરાટ કોહલીએ 47 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 72 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. ચેતન સાકરિયા સિવાયના તમામ બોલરોએ 10 રનથી વધુની એવરેજે રન આપ્યા હતા.
ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સની શરૂઆત ઘણી ખરાબ રહી હતી અને 18 રનમાં તેમણે 3 વિકેટ ગુમાવી દીધી હતી, તે પછી સંજૂ સેમસન અને શિવમ દુબે વચ્ચે 25 રનની નાનકડી ભાગીદારી થઇ હતી અને 43 રનના કુલ સ્કોર પર સેમસન પણ આઉટ થયો હતો. શિવમ દુબે અને રિયાન પરાગ તે પછી સ્કોરને સો પાર લઇ ગયા હતા, ત્યારે પરાગ 16 બોલમાં 25 રન કરીને આઉટ થયો હતો. થોડી જ વારમાં શિવમ પણ અંગત 46 રને આઉટ થયો હતો. તેવટિયા અને ક્રિસ મોરિસ તે પછી સ્કોરને 170 રન સુધી લઇ ગયા હતા.
જો કે એ સ્કોર પર જ બંનેની વિકેટ પડી હતી અને અંતે તેઓ 20 ઓવરમાં 9 વિકેટે 177 રન સુધી પહોંચી શક્યા હતા. આરસીબી વતી મહંમદ સિરાજે 4 ઓવરમાં 27 રન આપીને 3 જ્યારે હર્ષલ પટેલે 47 રનમાં 3 વિકેટ ઉપાડી હતી. કાઇલ જેમિસન, કેન રિચર્ડસન અને વોશિંગ્ટન સુંદરે 1-1 વિકેટ લીધી હતી.