National

બિનભાજપી રાજ્યોમાં રસીની તંગી : ભાજપ શાસિત રાજ્યોમાં ટીકા ઉત્સવ

ભુવનેશ્વર, જયપુર, મુંબઇ, : એક તરફ આજે વડાપ્રધાન મોદીએ વધુમાં વધુ લોકોને રસી મૂકી શકાય તે માટે ચાર દિવસના ટીકા ઉત્સવનો આરંભ કરાવ્યો હતો તો બીજી બાજુ દેશમાં અનેક રાજ્યોના વિવિધ સ્થળોએથી રસીની તંગીના અહેવાલ બહાર આવી રહ્યા હતા જેમાં ઓડિશામાં તો આજે કોવિડ-૧૯ની રસીની તંગીના કારણે ઓછામાં ઓછા ૯૦૦ જેટલા રસીકરણ કેન્દ્રો બંધ રાખવા પડ્યા હોવાના અહેવાલ છે. બીજા પણ અનેક રાજ્યોમાંથી રસીની તંગીના અહેવાલો બહાર આવી રહ્યા છે. આમાં નોંધપાત્ર બાબત એ છે કે જ્યાંથી રસીની તંગીની બૂમરાણો ઉઠી છે તે મોટા ભાગના રાજ્યો બિન-ભાજપ શાસિત રાજ્યો જ છે જ્યારે ઉત્તર પ્રદેશ જેવા ભાજપ શાસિત રાજ્યોમાં આજે ધામધૂમથી ટીકા ઉત્સવનો આરંભ કરવામાં આવ્યો હતો.

રાજસ્થાનથી પણ અહેવાલ મળ્યા હતા કે આ રાજ્યમાં રસીની તંગીના કારણે અનેક રસીકરણ કેન્દ્રો અને હોસ્પિટલોમાં રસી મૂકાવવા આવેલા લોકોએ રસી મૂકાવ્યા વિના જ પાછા ફરવું પડ્યું હતું. રસી મૂકાવવા ગયેલા લોકોને અનેક કેન્દ્રો પર કહેવામાં આવ્યું હતું કે રસીના ડોઝ ઉપલબ્ધ નથી માટે રસી આપી શકાય તેમ નથી, રસી આવે ત્યારે આવજો. કેટલીક ખાનગી ક્લિનિકો કે હોસ્પિટલોમાં આજે જો કે રવિવાર હોવાથી રસી મૂકવામાં નહીં આવે એમ જણાવાયું હતું ત્યારે એક હોસ્પિટલમાં ડોકટરોએ કહ્યું હતું કે રસીનો પુરતો જથ્થો જ નથી તેથી લોકોને રસી મૂકી શકાય તેમ નથી. ઓડિશાના કુટુંબ કલ્યાણ વિભાગના ડિરેકટર બિજય પાણીગ્રહીએ જણાવ્યું હતું કે રાજ્યના ૧૪૦૦ રસીકરણ કેન્દ્રોમાંથી ફક્ત ૫૭૯ કેન્દ્રો પર રસીકરણની કામગીરી ચાલી રહી છે અને જો રસીનો નવો જથ્થો નહીં આવે તો રાજ્યમાં અનેક સ્થળે રસીકરણ અભિયાન સોમવારે બંધ થઇ જઇ શકે છે. તેલંગાણા સરકારે પણ ફરિયાદ કરી છે કે તેની પાસે પણ રાજ્યમાં ત્રણ દિવસ ચાલે તેટલો જ રસીનો સ્ટોક છે.

આ પહેલા પંજાબના મુખ્યમંત્રી અમરીન્દર સિંઘ રાજ્યમાં રસીની તંગી બાબતે કેન્દ્ર સરકારને પત્ર લખી ચુક્યા છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોટે પણ રસીની તંગી બાબતે કેન્દ્ર સમક્ષ રજૂઆત કરી છે. મહારાષ્ટ્ર તો પહેલા જ આ બાબતે ફરિયાદ કરી ચુક્યું છે. દિલ્હી રાજ્ય સરકારે પણ જણાવ્યું છે કે તેની પાસે રસીનો ૭થી ૧૦ દિવસ ચાલે તેટલો જ જથ્થો છે આમ રસીની તંગીની ફરિયાદો કરતા રાજ્યોની યાદી લાંબી થતી જઇ રહી છે.

Most Popular

To Top