શ્રદ્ધા હોય તો શું નથી કરી શકાતું?! કદાચ આ જ કારણે આપણે કેટલાક સવાલોના જવાબ ભગવાન પાસે માગીએ છીએ, જેમાં આપણને વિશ્વાસ છે. કેટલીક વાર આપણી માન્યતાઓ હકીકતથી દૂર લઈ જઈને અમુક વિચિત્ર વસ્તુઓ કરવા પ્રેરે છે. ભારતમાં આપણે 33 કરોડ દેવી-દેવતાઓનું પૂજન કરીએ છીએ. ભક્તિમાં ડૂબીને એવું કરી બેસીએ છીએ કે પેલી ઉક્તિ ‘ઈટ હેપ્પન્સ ઓન્લી ઈન ઈન્ડિયા’ સાચી ઠરે.
ભારત વિવિધ માન્યતાઓનો દેશ છે.આપણી પાસે દરેક કામ કે ઈચ્છા માટે અલગ અલગ ભગવાન છે. જેમ કે લક્ષ્મીજીને આપણે ધનના દેવી માનીએ છીએ તો સરસ્વતીજીને વિદ્યાના દેવી માની પૂજા કરીએ છીએ. દરેક ભગવાનને અલગ અલગ માન્યતા પ્રમાણે અલગ અલગ પ્રસાદ પણ ચડાવીએ છીએ. ગણપતિજીને મોદક તો અંબાજી માને સુખડીનો પ્રસાદ. પરંતુ આજે આપણે ભારતના એવાં મંદિર અને તેની માન્યતા વિશે જોઈશું જે જાણી તમે નવાઈ પામશો.
વિઝા મંદિર, હૈદરાબાદ
કેટલાંક દેવીદેવતાઓ તમને સમૃદ્ધિ આપે છે તો કેટલાંક તમારી રક્ષા કરે છે પરંતુ હૈદરાબાદનાં ચિલ્કુરમાં સૌથી જૂનાં મંદિરો પૈકીના બાલાજી મંદિરમાં દેવતા તમને અમેરિકાના વિઝા અપાવે છે. ડોલરોનાં સપનાં જોતાં ઘણાં લોકો પોતાના વિઝા ઈન્ટરવ્યૂ પહેલાં આ મંદિરમાં આશીર્વાદ લેવા આવે છે. ભક્તો અહીં આવીને પૂજા કરે છે અને મંદિરની 108 વાર પરિક્રમા કરવાની માનતા માને છે. જો તમને પણ વિઝા મેળવવામાં તકલીફ થતી હોય તો આ મંદિરની મુલાકાત લઈ આવો.
કૂતરાનું મંદિર, કર્ણાટક
જો તમને કહેવામાં આવે કે ભારતમાં કૂતરાંનું મંદિર આવેલું છે અને લોકો તેની પૂજા કરે છે તો આ સાંભળી તમે પણ ચોંકી જશો પરંતુ આ મજાક નહિ હકીકત છે .આ કળીયુગમાં માણસ કરતાં પ્રાણીઓ પર વધારે વિશ્વાસ રખાય છે. કર્ણાટકના ચન્નપટના સિટીમાં રહેતા ઉદ્યોગપતિએ આ વાતને એક અલગ જ સ્તર પર પહોંચાડી . કહેવાય છે કે વર્ષ 2010માં એક ઉદ્યોગપતિએ અહીં પન્ના દેવીનું મંદિર બનાવ્યું અને એ જ દિવસોમાં આ વિસ્તારના બે કૂતરા ગાયબ થઈ ગયા, એ રાત્રે ઉદ્યોગપતિના સપનામાં દેવી આવ્યાં અને કહ્યું કે આ ખોવાયેલા કૂતરાને પૂજવા તેનું મંદિર બનાવો આનાથી ગામમાં શાંતિ બની રહેશે. ત્યારથી આ મંદિરમાં કૂતરાઓની પૂજા થાય છે અને હવે એ ડોગલવર માટે એક પ્રવાસન સ્થળ બની ચૂક્યું છે.
બેંગ્લોરથી 60 કિલોમીટર દૂર 2009માં રામનગર જિલ્લામાં આ મંદિરનું નિર્માણ થયું. આ મંદિર ગામમાં માતાજીના મંદિરની બાજુમાં જ છે. અહીંના સ્થાનિકો માને છે કે શ્વાન દેવ પાસે ગામમાંથી કોઈ પણ પાપ દૂર કરવાની શક્તિ છે.
બુલેટ બાબા, જોધપુર
રાજસ્થાનના જોધપુરના પાલી જિલ્લાના આ મંદિરની કથા ખૂબ જ રસપ્રદ છે.ઓમસિંઘ રાઠોડ ઉર્ફે બન્ના પોતાના બુલેટ ઉપર ચૈટાલીયાથી પાલી આવી રહ્યા હતા.બાઈક ચલાવતી વખતે તેમનો અકસ્માત થયો અને તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું. ત્યાંની લોકલ પોલીસ તેમના બાઈકને પોલીસસ્ટેશન લઈ આવ્યા બીજા દિવસે બાઈક પોલીસસ્ટેશનથી ગાયબ હતું અને તે પછી અકસ્માત સ્થળેથી મળ્યું. આ પછી પોલીસે ઘણી બધી કોશિશ કરી બાઈકને ત્યાંથી હટાવવાની પરંતુ બાઈક દર રાત્રે ત્યાં જ પહોંચી જતું હતું. આવામાં ત્યાંનાં લોકોને આ ચમત્કાર લાગ્યો અને લોકોએ આ બાઈકને પૂજવાની શરૂઆત કરી દીધી. ત્યારથી આ મંદિર બુલેટ બાબાના મંદિરના નામે ભારતભરમાં પ્રખ્યાત છે.ત્યાંથી પસાર થતાં લોકો આ મંદિરના દર્શન કરીને જ આગળ જાય છે. લોકોમાં એવી માન્યતા છે કે જે દર્શન કર્યા વિના જાય તેની સાથે કાંઈક ખોટું થાય છે. આ મંદિરમાં 350 cc રોયલ એન્ફિલ્ડ બુલેટની પૂજા કરવામાં આવે છે. .