આખા દેશને એક જ ટેક્સ માળખા હેઠળ આવરી લેવા માટે કેન્દ્ર સરકારે કરેલી જીએસટીના નામે કરેલી કસરતમાં વેપારીઓને અનેક મુશ્કેલીઓ પડી રહી હોવાની વારંવાર ફરિયાદો ઉઠી રહી છે. જીએસટીનો કાયદો ખરેખર ટેક્સ સીસ્ટમને સરળ બનાવવા માટે અને જીએસટીની ક્રેડિટ એક પછી એક એ ચેઈનમાં જોડાનાર વ્યક્તિ કે વેપારીને મળે તે માટે હતો પરંતુ જે રીતે જીએસટીની જોગવાઈ ઘડવામાં આવી અને સાથે સાથે તેનો અમલ શરૂ કરવામાં આવ્યો, તેણે અનેક પ્રશ્નો ઉભા કર્યાં છે. જીએસટી માટે થતી ફરિયાદો બાદ સરકાર દ્વારા તેને સરળ બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે પરંતુ હજુ સુધી સરકારને એવી સફળતા મળી નથી. સરકારની આ નિષ્ફળતા બદલ આખરે સુપ્રીમ કોર્ટએ કેન્દ્ર સરકારનો ઉધડો લીધો છે. સુપ્રીમ કોર્ટએ એ કહેવું પડ્યું છે કે ખરેખર કાયદો બનાવતી વખતે દેશની સંસદની એવી ઈચ્છા હતી કે જીએસટી નાગરિકો માટે સરળ કાયદો બની રહે પરંતુ જેવી રીતે તેને આખા દેશમાં લાગુ કરવામાં આવ્યો તેનાથી જીએસટીનો મુળ હેતુ જ મરી ગયો છે. કેન્દ્ર સરકાર કરદાતા કે વેપારીઓ-ઉદ્યોગપતિઓને કરચોર કહી શકે નહીં.
જીએસટીની કલમને પડકારતી હિમાચલપ્રદેશની એક અરજીની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી હતી. અરજીમાં એ કલમને પડકારવામાં આવી હતી કે જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે, કોઈપણ કેસની કાર્યવાહી પેન્ડિંગ રાખવા દરમિયાન અધિકારી ઈચ્છે તો બેંક એકાઉન્ટ સહિત અન્ય સંપતિને પણ જપ્ત કરી શકે છે. આ અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટ દ્વારા અવલોકન કરાયું હતું કે જીએસટીના મુળ સ્ટ્રકચર તેમજ ઉદ્દેશથી સરકારની કામગીરી ભટકી ગઈ છે. સુપ્રીમ કોર્ટએ જોકે, આ અરજી પર પોતાનો ચૂકાદો આપ્યો નથી પરંતુ સુપ્રીમ કોર્ટ દ્વારા જે ટિપ્પણી કરવામાં આવી તેણે અનેક પ્રશ્નો ઉભા કર્યાં છે. સરકારે જીએસટીના અમલમાં દાટ જ વાળ્યો છે. સરકાર ખરેખર સમજી જ શકી નથી કે જીએસટીનો કાયદો વેપારીઓ માટે કેવી રીતે ફાયદાકારક બનાવી શકાય! સરકારે કરેલા અમલને કારણે એવી સમસ્યા થઈ છે કે જીએસટીની ચોરી માટે અનેક ભેજાબાજો દ્વારા દરવાજા ખોલી દેવાયા છે અને અબજો રૂપિયાની કરચોરી આજે પણ થઈ રહી છે.
જીએસટીના કાયદામાં જે રીતે એક પછી એક ફોર્મ ભરવાની પદ્ધતિ અપનાવવામાં આવી છે તેનાથી અનેક સમસ્યાઓ આવી રહી છે. એક મહિને, બે મહિને કે પછી ત્રણ-ત્રણ મહિને જો રિટર્ન ફાઈલ કરવાના હોય તો તે ઘણું જ અઘરૂં છે. સામાન્ય રીતે બિઝનેસ થાય તો તેમાં એક-બે કે પછી ત્રણ મહિનામાં પેમેન્ટ આવી જાય તેવું થતું નથી. બીજી તરફ બિલ જનરેટ થાય તો તુરંત તેનો જીએસટી ભરી દેવાનો રહે છે. આ સંજોગોમાં એટલી વિસંગતતા ઉભી થાય છે કે વેપારીઓના કરોડો રૂપિયા ટેક્સ ક્રેડિટના સ્વરૂપમાં જમા થઈ જાય છે અને તેને પરત મેળવવામાં મોટી મુશ્કેલી નડે છે. જો સરકાર ઈન્કમટેક્સમાં એક વર્ષમાં રિટર્ન ભરવાનો નિર્ણય લઈ શકતી હોય તો તેણે જીએસટીના પણ તમામ રિટર્ન એક વર્ષમાં ભરવાનો આગ્રહ રાખવો જોઈએ. જો જીએસટીના રિટર્ન એક વર્ષમાં ભરવાનો નિર્ણય કરવામાં આવે તો તે નાણાંકીય વર્ષની જોગવાઈઓ સાથે મેચ પણ થઈ શકે છે. વેપારીઓ પણ નિરાંતે ધંધો કરી શકે અને જીએસટી ભરી શકે છે.
હજુ પણ મોડું થયું નથી. સરકાર જીએસટીમાં હજુ પણ સુધારાઓ કરી શકે છે. જીએસટીનો કાયદો જેટલો વેપારીઓ તરફી હશે તેટલો સરકારને વધુ ફાયદો જ થવાનો છે. કાયદો વેપારીઓ માટે સરળ રહેશે તેટલી ચોરી ઓછી થશે અને સરવાળે તેનો ફાયદો સરકારને જ થશે. સુપ્રીમ કોર્ટે ટિપ્પણી દ્વારા કેન્દ્ર સરકારને સંકેત આપી દીધો છે. હવે કેન્દ્ર સરકારે સમજવાનું છે. જો નહીં સમજે તો આગામી દિવસોમાં સુપ્રીમ કોર્ટએ જીએસટી મામલે કેન્દ્ર સરકારનો કાન આમળવો પડશે.