
IPL 2026 સીઝન શરૂ થયા પછી હવે ટુર્નામેન્ટમાં રસપ્રદ મુકાબલાઓ જોવા મળી રહ્યા છે. દરમિયાન, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ સમયપત્રકમાં ફેરફાર કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ ફેરફાર ખાસ કરીને ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની બે મેચોને લગતો છે. પ્રારંભિક સમયપત્રક મુજબ, બંને ટીમો વચ્ચેની પહેલી મેચ 26 એપ્રિલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બપોરે 3:30 વાગ્યે રમાવાની હતી. જોકે, હવે મેચ ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે તે જ તારીખ અને સમયે રમાશે. આનો અર્થ એ થયો કે મેચના સમય કે તારીખમાં કોઈ ફેરફાર થયો નથી, ફક્ત સ્થળ બદલાયું છે. તેવી જ રીતે, બીજી મેચ, જે મૂળ 21 મેના રોજ ચેન્નાઈમાં યોજાવાની હતી, તે હવે અમદાવાદમાં રમાશે. આ મેચ પણ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. આમ, બંને મેચોના ફક્ત સ્થળો બદલાયા છે, જ્યારે બાકીનું બધું સેમ જ રહેશે.
BCCIએ આ નિર્ણય કેમ લીધો તેની પાછળનું કારણ પણ મહત્વનું છે. 26 એપ્રિલના રોજ અમદાવાદ સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં નગરપાલિકા ચૂંટણીઓ યોજાવાની છે. ચૂંટણી દરમિયાન સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ કડક રાખવાની હોય છે. આવી સ્થિતિમાં મોટી ક્રિકેટ મેચનું આયોજન કરવાથી પોલીસ અને પ્રશાસન પર વધારાનો બોજ આવી શકે છે. તેથી કોઈપણ મુશ્કેલી ટાળવા માટે બોર્ડે સમયસર આ નિર્ણય લીધો છે. ટીમોના પ્રદર્શનને જોતા, બંને ટીમો માટે સિઝનની શરૂઆત મિશ્ર રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સે શરૂઆતમાં સતત ત્રણ મેચ હારી હતી, જેના કારણે ટીમ પર દબાણ વધ્યું હતું. જોકે, ત્યારથી ટીમે જીત સાથે પાછા ફરવાનો પ્રયાસ કર્યો છે. બીજી તરફ, ગુજરાત ટાઇટન્સે પણ તેમની પહેલી બે મેચ હારી હતી, પરંતુ આગામી બે જીતીને, તેઓએ સંકેત આપ્યો છે કે તેઓ તેમનો વેગ પાછો મેળવી રહ્યા છે.
આ ફેરફાર કેટલાક ચાહકોને, ખાસ કરીને જેમણે પહેલાથી જ ટિકિટ બુક કરાવી છે, તેઓને થોડી અસુવિધા પહોંચશે. જોકે, સુરક્ષા અને યોગ્ય આયોજનને કારણે આ નિર્ણય જરૂરી માનવામાં આવે છે. હવે જોવાનું બાકી છે કે નવા સ્થળે રમાતી આ મેચોમાં કઈ ટીમ વધુ સારું પ્રદર્શન કરે છે.