ગાંધીનગર,
ડિજિટલ યુગમાં વધતા જતાં સાયબર અપરાધોને નાથવા માટે ગુજરાત પોલીસ હવે વધુ આક્રમક અને સજ્જ બની છે. ગાંધીનગર સ્થિત પોલીસ ભવન ખાતે રાજ્યના પોલીસ મહાનિદેશક (DGP) ડૉ. કે.એલ.એન. રાવના અધ્યક્ષસ્થાને ‘સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ’ની એક હાઈ-લેવલ સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં સાયબર માફિયાઓ સામે લડવા માટે ટેકનિકલ હથિયારો અને જનજાગૃતિના સમન્વય પર ભાર મૂકવામાં આવ્યો હતો.
‘પ્રોએક્ટિવ’ બનો, માત્ર પ્રતિક્રિયા આપનારા નહીં – ડીજીપી
બેઠકને સંબોધતા ડીજીપી ડૉ. કે.એલ.એન. રાવે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, સાયબર ગુનાઓ સામેની લડતમાં માત્ર ફરિયાદ નોંધવી પૂરતી નથી, પરંતુ ‘પ્રોએક્ટિવ અભિગમ’ રાખવો અનિવાર્ય છે. તેમણે અધિકારીઓને આધુનિક ટેકનોલોજી અને ડેટા એનાલિટિક્સનો ઉપયોગ કરી ગુનેગારો સુધી પહોંચવા અને રિયલ-ટાઇમ માહિતી શેર કરવા કડક સૂચના આપી હતી.
નવનિયુક્ત PI માટે સ્પેશિયલ ગાઈડલાઈન્સ
આ બેઠકમાં હાજર રહેલા નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટરોને સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશનની બારીકાઈઓ સમજાવવામાં આવી હતી. ખાસ કરીને • ડિજિટલ ફોરેન્સિક્સ: ટેકનિકલ પુરાવાઓ એકત્રિત કરવાની આધુનિક પદ્ધતિઓ • હેલ્પલાઇન ૧૯૩૦: નાણાકીય છેતરપિંડીના કિસ્સામાં ત્વરિત ટ્રાન્ઝેક્શન અટકાવી પીડિતોને રિફંડ અપાવવાની પ્રાથમિકતા • નવી મોડસ ઓપરેન્ડી: સોશિયલ મીડિયા ફ્રોડ અને ઓનલાઇન
ઠગાઈની બદલાતી રીતો પર સતત નજર
સ્કૂલ-કોલેજોમાં ચાલશે વિશેષ જાગૃતિ અભિયાન
ડીજીપીએ માત્ર તપાસ જ નહીં પણ સાયબર સુરક્ષા અંગે જનજાગૃતિ પર પણ વિશેષ ભાર મૂક્યો હતો. શાળાઓ, કોલેજો અને સામાજિક પ્લેટફોર્મ્સના માધ્યમથી નાગરિકોને જાગૃત કરવા માટે વિશેષ અભિયાન ચલાવવાની સૂચના આપી હતી, જેથી છેતરપિંડી થતી અટકાવી શકાય. સમીક્ષા બેઠકના અંતે ડીજીપીએ સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની અત્યાર સુધીની કામગીરીને બિરદાવી હતી અને આ કેન્દ્રને દેશભરમાં સાયબર ક્રાઇમ સામે લડવા માટે એક ‘રોલ મોડેલ’ અથવા ‘આદર્શ કેન્દ્ર’ તરીકે સ્થાપિત કરવા સમગ્ર ટીમને પ્રોત્સાહિત કર્યા હતા.