Vadodara

વડોદરા : વ્યાજખોરના ત્રાસના કંટાળીને કાર એસેસરીઝના વેપારીનો આપઘાત

હુજરાત પાગા પાસે દુકાનમાં ગળેફાંસો ખાઈ જીવંત ટૂંકાવ્યું, મૂડી અને વ્યાજ ચૂકવ્યું છતાં વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરતાં હોવાનો આક્ષેપ

વડોદરા તારીખ 9

વડોદરાના કારેલીબાગ પોલીસ સ્ટેશન નજીક
હુજરાત પાગા સામે આવેલી કાર એસેસરીઝના વેપારી દુકાનમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી વિસ્તારમાં ચકચાર મચી છે. પરિવારજનોએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. જ્યારે પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

વડોદરા શહેરના કારેલીબાગ પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલ હુજરત પાગા વિસ્તારમાં “કલકત્તા કાર એસેસરીઝ” નામની દુકાન ચલાવતા નીતિન હસમુખલાલ શાહે ગત રાત્રે પોતાની દુકાનમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. સવારે બનાવની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
ઘટનાની જાણ થતા જ કારેલીબાગ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખસેડ્યો હતો. મૃતકના ભાઈ દીપેશ શાહે મીડિયા સાથે વાતચીત દરમિયાન ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, તેમના ભાઈ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ગયા હતા. તેઓએ મૂડી સાથે વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં કેટલાક લોકો ખોટા હિસાબો બતાવી વધુ વ્યાજની ઉઘરાણી માટે સતત દબાણ કરતા હતા. પઠાણી ઉઘરાણી જેવા દબાણથી પરેશાન થઈ અંતે તેમના ભાઈએ આ પગલું ભર્યું હોવાનો પરિવારનો દાવો છે. પરિવારે આ મામલે સંકળાયેલા લોકોના નામ પોલીસને આપ્યા હોવાનું જણાવી પોલીસ કમિશનર પાસે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
આ અંગે કારેલીબાગ પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top