Vadodara

ચૂંટણીને કારણે પરીક્ષાઓ પાછળ જવાથી હવે પીજી કોર્સના પ્રવેશમાં પણ વિલંબ થશે

જીકાસના માધ્યમથી થતી કાર્યવાહીને અસર થશે,ચોઇસ ફિલિંગ સહિતના સમયમાં કાપ મૂકાશે

ટીવાયના પરિણામ ન આવે ત્યાં સુધી પીજીના પ્રવેશ શરૂ નહીં થાય

( પ્રતિનિધિ )વડોદરા,તા.9

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ગુજરાત યુનિવર્સિટી દ્વારા આગામી દિવસોમાં લેવાનારી 150થી વધારે પરીક્ષા પાછળ લઇ જવાની જાહેરાત કરી દેવાઈ છે. છેલ્લા વર્ષની પરીક્ષા પણ પાછળ જવાના કારણે જીકાસના માધ્યમથી થનારી પોસ્ટ ગ્રેજ્યુએશ એટલે કે એમએ, એમકોમ,એમએસસી સહિતના કોર્સમાં પ્રવેશ પ્રક્રિયામાં પણ વિલંબ થાય તેવી સ્થિતિ ઊભી થઇ છે. આ ઉપરાંત ચૂંટણીના કારણે કર્મચારી અધિકારીઓએ વેકેશનમાં પણ કામગીરી કરવી પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.

યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવેલા પરીક્ષાના કાર્યક્રમ પ્રમાણે અંદાજે 21મી મેના રોજ તમામ પરીક્ષાઓ પૂર્ણ કરવાની હતી. ચૂંટણીના કારણે નવા જાહેર કરાયેલા શિડ્યુલ પ્રમાણે હવે છેલ્લા તબક્કાની પરીક્ષા 21મી મેથી શરૂ કરવામાં આવશે. 21મીથી શરૂ થનારી પરીક્ષા 10મી જૂન સુધી ચાલશે. પરીક્ષા બાદ ઉત્તરવહી ચકાસણી અને પરિણામ જાહેર કરવામાં અંદાજે એક મહિના જેટલો સમય પસાર થતો હોય છે. આ પ્રમાણે જોઇએ તો 15મી જુલાઇ સુધીમાં છેલ્લા સેમેસ્ટરના પરિણામ આવે તેવી શકયતા છે. રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓમાં ચાલતાં પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સમાં પ્રવેશ માટે જીકાસના માધ્યમથી કાર્યવાહી કરવામાં આવે છે. એકપણ યુનિવર્સિટીમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનું પરિણામ બાકી હોય ત્યાં સુધી પ્રવેશ પ્રક્રિયા શરૂ થઇ શકતી નથી. આમ, સરવાળે પોસ્ટ ગ્રેજ્યુએશન આર્ટસ, કોમર્સ અને સાયન્સ સહિતના કોર્સમાં પ્રવેશની કાર્યવાહીમાં વિલંબ થશે. સૂત્રો કહે છે કે, ચૂંટણીના કારણે વિદ્યાર્થીઓને દરવર્ષે ચોઇસ ફિલિંગ સહિતની કાર્યવાહી માટે જે સમય આપવામાં આવે છે તેમાં પણ ઘટાડો કરવો પડશે. ચાલુવર્ષે ત્રણ રાઉન્ડ કરીને બાકીની કાર્યવાહી યુનિવર્સિટીને સોંપી દેવાનો નિર્ણય કરાયો હોવા છતાં મોડી પ્રવેશ કાર્યવાહીના કારણે સરવાળે વિલંબ થાય તેવી સ્થિતિ ઊભી થઇ છે. બીજી બાજુ સમગ્ર મે માસ દરમિયાન કોલેજના કર્મચારીઓ, અધિકારીઓએ પરીક્ષાની કામગીરી કરવી પડશે.

Most Popular

To Top