પક્ષ પ્રમુખ જયપ્રકાશ સોનીનું તેડું અને સસ્પેન્શનનો અંત, કેસરીયો ધારણ કરતા જ શહેરના રાજકારણમાં ગરમાવો
વડોદરા શહેર ભાજપમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા આંતરિક જૂથવાદ અને ચર્ચાસ્પદ બનેલા ‘પત્રિકા કાંડ’માં આજે નવો વળાંક આવ્યો છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ અને શિસ્તભંગના આરોપ હેઠળ જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, તેવા પૂર્વ કાઉન્સિલર અલ્પેશ લીંબાચિયાની આજે સત્તાવાર રીતે ભાજપમાં ઘરવાપસી થઈ છે.
શુક્રવારે વડોદરા શહેર ભાજપ કાર્યાલય ખાતે અચાનક રાજકીય ગરમી જોવા મળી હતી. શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની દ્વારા અલ્પેશ લીંબાચિયાને રૂબરૂ બોલાવવામાં આવ્યા હતા. પક્ષ પ્રમુખ સાથેની ટૂંકી મુલાકાત બાદ, તેમના સસ્પેન્શનને દૂર કરી તેમને પુનઃ પક્ષમાં લેવાની જાહેરાત કરવામાં આવી હતી.
નોંધનીય છે કે, વડોદરા મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતાને નિશાન બનાવીને ફરતી કરવામાં આવેલી વિવાદિત પત્રિકાઓના મામલે અલ્પેશ લીંબાચિયા વિરુદ્ધ તપાસના અંતે શિસ્તભંગના પગલાં લેવાયા હતા. જોકે, આજે પક્ષના મોવડી મંડળના આદેશથી તેઓ ફરી સક્રિય રાજકારણમાં મુખ્ય પ્રવાહમાં જોડાયા છે.
અલ્પેશ લીંબાચિયાના પુનઃ પ્રવેશથી વડોદરા ભાજપના આંતરિક રાજકારણમાં નવા જૂથવાદની કે નવા સમીકરણોની શક્યતા નકારી શકાતી નથી. વિરોધ પક્ષો અને પક્ષના જ કેટલાક અસંતુષ્ટ નેતાઓ આ નિર્ણયને કઈ રીતે જુએ છે, તે હવે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે.