Gujarat

રાજ્યમાં 343 પ્રોજેક્ટ સાથે સુરત બીજા ક્રમે

સુરત : ગુજરાતમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં સતત વૃદ્ધિ નોંધાઈ રહી છે. નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન કુલ 1,823 નવા રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ નોંધાયા છે, જે ગયા વર્ષની સરખામણીમાં અંદાજે 6 ટકાનો વધારો દર્શાવે છે.ગુજરાત વિધાનસભામાં રેરા ઓથો.નો વર્ષ 2024-25નો કામગીરી રિપોર્ટ રજુ કરાયો છે. જેમાં મહત્વનો ડેટા રજુ કરાયો છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 15,262 પ્રોજેક્ટ નોંધાયેલા છે, જેમાંથી 8,405 પ્રોજેક્ટ પૂર્ણ થયા છે, એટલે કે કુલ પ્રોજેક્ટમાંથી લગભગ 55 ટકા પ્રોજેક્ટ પૂર્ણતાને પહોંચ્યા છે. આ સાથે 78 ટકા પ્રોજેક્ટ રેરા અમલ પછી શરૂ થયેલા હોવાનું પણ અહેવાલમાં ઉલ્લેખિત છે.

પ્રોજેક્ટના પ્રકાર મુજબ જોવામાં આવે તો રહેણાંક પ્રોજેક્ટનો સૌથી મોટો હિસ્સો છે. વર્ષ 2024-25 દરમિયાન 726 રહેણાંક, 637 મિશ્ર વિકાસ, 245 વાણિજ્યિક અને 215 પ્લોટેડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ નોંધાયા છે. આ આંકડા દર્શાવે છે કે રાજ્યમાં રહેણાંક અને મિશ્ર વિકાસ પ્રોજેક્ટની માંગ સૌથી વધુ છે.જિલ્લાવાર આંકડાઓ મુજબ અમદાવાદ પ્રથમ ક્રમે છે જ્યાં 550 પ્રોજેક્ટ નોંધાયા છે, ત્યારબાદ સુરતમાં 343, વડોદરામાં 219, ગાંધીનગરમાં 187 અને રાજકોટમાં 157 પ્રોજેક્ટ નોંધાયા છે. સુરતમાં પ્રોજેક્ટ નોંધણીમાં 17 ટકાનો વધારો નોંધાયો છે, જ્યારે અમદાવાદમાં 3 ટકાનો વધારો થયો છે.રોકાણની દૃષ્ટિએ રાજ્યમાં કુલ અંદાજે ₹79,563 કરોડનું રોકાણ થયું છે અને આશરે 2 લાખ યુનિટ નોંધાયા છે. અમદાવાદમાં સૌથી વધુ 70,026 યુનિટ નોંધાયા છે, જે રાજ્યના કુલ યુનિટમાં લગભગ 35 ટકા છે.

રેરાના રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે વર્ષ 2024-25 દરમિયાન કુલ 564 એજન્ટ નોંધાયા છે, જેમાંથી 523 વ્યક્તિગત અને 41 કંપનીઓ છે. તેમાં અમદાવાદનો સૌથી મોટો હિસ્સો છે.આ આંકડાઓ દર્શાવે છે કે ગુજરાતમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે અને વિવિધ શહેરોમાં સંતુલિત વિકાસ સાથે ક્ષેત્રમાં ગતિ જળવાઈ રહી છે.
એકમ અને વિસ્તારની દ્રષ્ટિએ પ્રગતિ
વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન કુલ ૨ લાખ યુનિટ્સ (એકમો) અને ૧૬ મિલિયન ચોરસ મીટર કાર્પેટ એરિયા ગુજરેરા હેઠળ નોંધાયા છે. એકમોની સંખ્યામાં પણ અમદાવાદ ૭૦,૦૨૬ યુનિટ્સ (૩૫%) સાથે ટોચ પર છે. રાજકોટમાં ગાંધીનગર કરતા ઓછા પ્રોજેક્ટ્સ હોવા છતાં, ત્યાં રોકાણનું મૂલ્ય લગભગ ૫ ગણું વધારે છે, જે મોટા પાયાના પ્રોજેક્ટ્સનું સૂચન કરે છે.
રોકાણ અને પ્રોજેક્ટ્સની વિગતો
અહેવાલ મુજબ, અત્યાર સુધીમાં ગુજરેરા હેઠળ કુલ ૧૫,૨૬૨ પ્રોજેક્ટ્સ નોંધાયા છે, જેમાં અંદાજે ૫.૦૩ લાખ કરોડ રૂપિયાનું જંગી રોકાણ થયું છે. નોંધનીય છે કે આમાંથી ૫૫% એટલે કે ૮,૪૦૫ પ્રોજેક્ટ્સ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂક્યા છે.

  • રેસિડેન્શિયલ (રહેણાક): સૌથી વધુ ૪૬% હિસ્સો ધરાવે છે. જ્યારે
  • મિક્સ ડેવલપમેન્ટ: ૩૪% હિસ્સા સાથે બીજા ક્રમે છે.

Most Popular

To Top