અમદાવાદ : પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને અમદાવાદ–મંગલુરુ વચ્ચે દોડતી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનની અવધિ 29 મે, 2026 સુધી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી મુસાફરોને વધુ સુવિધા મળશે તેમજ વધતી ભીડનું સુચારુ સંચાલન શક્ય બનશે.
પશ્ચિમ રેલવેના સત્તાવાર સુત્રોના જણાવ્યા પ્રમાણે આ સ્પેશિયલ ટ્રેન પૂર્વનિર્ધારિત માર્ગ, સમયપત્રક, કોચ વ્યવસ્થા અને ખાસ ભાડા સાથે યથાવત્ ચલાવવામાં આવશે.
ટ્રેન નંબર 09424 અમદાવાદ–મંગલુરુ સાપ્તાહિક સ્પેશિયલ દર શુક્રવારે અમદાવાદથી બપોરે 16:00 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સાંજે 20:00 કલાકે મંગલુરુ પહોંચશે. આ વિસ્તરણ દરમિયાન કુલ 8 ફેરે દોડાવવામાં આવશે.
આ ટ્રેન નડિયાદ, આનંદ, વડોદરા, ભરુચ, સુરત, વાપી, વસઈ રોડ, ભિવંડી રોડ, પનવેલ, પેન, રોહા, માંગાંવ, ખેડ, ચિપલુણ, સાંવર્ડા, સંગમેશ્વર રોડ, રત્નાગિરી, રાજાપુર રોડ, વૈભવવાડી રોડ, કણકવલી, સિંધુદુર્ગ, કુડાલ, સાવંતવાડી રોડ, થિવિમ, કરમાલી, મડગાંવ, કાણકોણ, કારવાર, અંકોલા, ગોકર્ણ રોડ, કુમટા, મુર્ડેશ્વર, ભટકલ, મુકામ્બિકા રોડ બૈંદુર, કુન્દાપુરા, ઉડુપિ, મુલ્કી અને સુરતકલ જેવા મહત્વપૂર્ણ સ્ટેશનો પર થંભશે.
કોચ વ્યવસ્થામાં એસી 2-ટિયર, એસી 3-ટિયર, સ્લીપર ક્લાસ તથા સામાન્ય દ્વિતીય શ્રેણીના ડબ્બાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.