યુવકે “મારા પાસે બોમ્બ છે” કહી ધમકી આપી, પોલીસે ઝડપી પાડ્યો
સુરત શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એરપોર્ટ પર બોમ્બ હોવાની અફવાએ થોડીવાર માટે હાહાકાર મચાવી દીધો હતો. ડુમસ પોલીસ પાસે થી મળતી માહિતી અનુસાર, એક યુવકે એરપોર્ટ સ્ટાફને ધમકી આપતાં કહ્યું કે તેના પાસે બોમ્બ છે, જેના કારણે સુરક્ષા તંત્ર તરત જ સતર્ક બની ગયું હતું.
એક હચમાચવતી ઘટના સુરત એરપોર્ટ ખાતે બની હતી, જ્યાં યુવક અચાનક સ્ટાફ સાથે ઉગ્ર વર્તન કરવા લાગ્યો હતો. તેણે ગુસ્સામાં આવીને “મારા પાસે બોમ્બ છે” એવી વાત કહી દીધી હતી, આ નિવેદન સાંભળતા જ એરપોર્ટ પર હાજર સુરક્ષા કર્મચારીઓ અને અન્ય લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આ ઘટના બાદ તાત્કાલિક સુરક્ષા પ્રક્રિયાઓ અમલમાં મુકવામાં આવી હતી.એરપોર્ટના સમગ્ર વિસ્તારમાં ચેકિંગ હાથ ધરાયું હતું અને સંદિગ્ધ પર નજર રાખવામાં આવી હતી. જોકે, તપાસ દરમિયાન કોઈ બોમ્બ કે શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી, જેના કારણે આખી ઘટના ફક્ત અફવા હોવાનું સામે આવ્યું હતું.
ઘટનાની જાણ થતા જ ડુમસ પોલીસ સ્ટેશનની ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે યુવકને કસ્ટડીમાં લઈ તેની પુછપરછ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે યુવકે મજાક અથવા ગુસ્સામાં આવીને આ પ્રકારની ખોટી માહિતી ફેલાવી હતી. હાલ પોલીસે આરોપી યુવક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ પ્રકારની ખોટી અફવાઓ ફેલાવવી ગંભીર ગુનો ગણાય છે, કારણ કે તે લોકોમાં ભય અને ગભરાટ ફેલાવે છે તેમજ સુરક્ષા તંત્રને અનાવશ્યક દોડધામમાં મૂકે છે.
સુરક્ષા એજન્સીઓએ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ આ પ્રકારની ખોટી માહિતી કે અફવાઓ ફેલાવતા પહેલાં વિચાર કરે અને જવાબદારી પૂર્વક વર્તે. હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને એરપોર્ટ પર કામગીરી સામાન્ય રીતે ચાલુ છે.