Vadodara

વડોદરામાં ઈંધણ માટે ‘હાહાકાર’: પેટ્રોલ પંપો પર કિલોમીટર લાંબી કતારો, વાહનચાલકોમાં ભારે ગભરાટ

અછતની અફવાએ શહેરને બાનમાં લીધું; અલકાપુરીથી વાઘોડિયા રોડ સુધીના પંપો પર અફરાતફરી, ટ્રાફિક જામથી જનજીવન પ્રભાવિત

વડોદરા શહેરમાં આજે સવારથી જ પેટ્રોલ અને ડીઝલ પુરાવવા માટે વાહનચાલકોનો અભૂતપૂર્વ ધસારો જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર ઈંધણની અછત અંગે વહેતી થયેલી અફવાઓ અને સપ્લાયમાં થયેલા આંશિક વિક્ષેપને કારણે લોકોમાં ગભરાટમાં ખરીદીની સ્થિતિ સર્જાઈ હતી. શહેરના અલકાપુરી, સયાજીગંજ, ફતેગંજ અને વાઘોડિયા રોડ સહિતના મુખ્ય વિસ્તારોમાં આવેલા પેટ્રોલ પંપો પર ટુ-વ્હીલર અને ફોર-વ્હીલરની કિલોમીટરો લાંબી લાઈનો જોવા મળી હતી.

અહેવાલો અનુસાર, ખાનગી ઓઈલ કંપનીઓ દ્વારા સપ્લાયમાં કાપ મૂકવામાં આવતા કેટલાક ખાનગી પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગી ગયા હતા. આ સમાચાર વાયુવેગે પ્રસરતા વાહનચાલકો સરકારી કંપનીઓના પંપ તરફ વળ્યા હતા. ખાસ કરીને નેયારા જેવા ખાનગી પંપો પર સ્ટોક ખૂટી પડતા લોકોમાં ચિંતા વધી હતી. માર્ચ એન્ડિંગને કારણે કંપનીઓ દ્વારા પેમેન્ટ સિસ્ટમમાં કરાયેલા ફેરફાર અને રજાઓના કારણે ટેન્કરો મોડા પડતા આ સ્થિતિ વધુ વણસી હતી.
પેટ્રોલ પંપો પર વાહનોની ભીડ એટલી હદે વધી ગઈ હતી કે પંપની બહાર મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઓફિસ જવા નીકળેલા કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા હતા. અચાનક સર્જાયેલી આ ભીડને કારણે ક્યાંક બોલાચાલી અને અફરાતફરીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.
પરિસ્થિતિને થાળે પાડવા માટે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે કે રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને નાગરિકોએ અફવાઓથી ગભરાવાની જરૂર નથી. પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને પણ ખાતરી આપી છે કે સપ્લાય ચેઈન ટૂંક સમયમાં સામાન્ય થઈ જશે અને લોકો જરૂર પૂરતું જ ઈંધણ ભરાવે તે હિતાવહ છે.

Most Popular

To Top