સૌરાષ્ટ્ર–કચ્છના કેટલાક વિસ્તારોમાં આજે હીટવેવની ચેતવણી – ૧૯ માર્ચે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં હળવા વરસાદની શક્યતા
ગાંધીનગર,તા.13
ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ તાપમાનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર–કચ્છ સહિત રાજ્યના અનેક શહેરોમાં મહત્તમ તાપમાન ૩૬થી ૪૧ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાયું છે. સમગ્ર વિસ્તારમાં સૌથી વધુ ૪૧ ડિગ્રી તાપમાન રાજકોટમાં નોંધાયું હતું, જ્યારે સૌથી ઓછું લઘુત્તમ તાપમાન ૧૬ ડિગ્રી નલિયામાં નોંધાયું હતું.
હવામાન વિભાગના આંકડા મુજબ ભૂજમાં ૪૦ ડિગ્રી, નલિયામાં ૩૫ ડિગ્રી, કંડલા પોર્ટ પર ૩૬ ડિગ્રી અને કંડલા એરપોર્ટ પર ૪૧ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમરેલીમાં ૩૯ ડિગ્રી, ભાવનગરમાં ૩૭ ડિગ્રી, પોરબંદરમાં ૩૬ ડિગ્રી, રાજકોટમાં ૪૧ ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં ૪૦ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તે ઉપરાંત મહુવામાં ૩૭ ડિગ્રી, કેશોદમાં ૩૯ ડિગ્રી, અમદાવાદમાં ૩૯ ડિગ્રી, ડીસામાં ૩૯ ડિગ્રી, ગાંધીનગરમાં ૩૮ ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં ૩૮ ડિગ્રી, વડોદરામાં ૩૯ ડિગ્રી અને સુરતમાં ૩૯ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. દમણમાં ૩૪ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગના આગાહી મુજબ આગામી ત્રણ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં ધીમે ધીમે ૨ થી ૪ ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો થવાની શક્યતા છે, ત્યારબાદ તાપમાનમાં ખાસ ફેરફાર થવાની શક્યતા ઓછી છે. ૧૪ માર્ચ માટે હવામાન વિભાગે યલ્લો ચેતવણી જાહેર કરી છે. સૌરાષ્ટ્ર–કચ્છના સુરેન્દ્રનગર, રાજકોટ અને કચ્છ જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં હીટવેવ જેવી પરિસ્થિતિ સર્જાવાની શક્યતા છે. ઉપરાંત ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારો અને સૌરાષ્ટ્ર–કચ્છમાં કેટલાક સ્થળોએ ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી તા.૧૯ માર્ચના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં તેમજ દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત અને તાપી જિલ્લામાં કેટલાક સ્થળોએ હળવો વરસાદ અથવા ગાજવીજ સાથે છાંટા પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર–કચ્છના સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છ જિલ્લામાં તેમજ દીવ વિસ્તારમાં પણ કેટલાક સ્થળોએ હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.