( પ્રતિનિધિ )વડોદરા,તા.14
ટી 20 વર્લ્ડ કપમાં થયેલી ભારતીય ક્રિકેટ ટીમની જીતની ઉજવણીમાં ટીમ પૈકી ક્રિકેટર હાર્દિક પંડ્યા અને ઈશાન કિશને રાષ્ટ્ર ધ્વજનું અપમાન કર્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ત્યારે, રાષ્ટ્રધ્વજના અપમાન અંગે કારેલીબાગ પોલીસ મથકે જાગૃત નાગરિક શૈલેષ શુક્લએ ફરિયાદ નોંધાવી છે.



ટી 20 વર્લ્ડ કપની ફાઈનલમાં ભારતની થયેલી જીત બાદ તમામ ભારતીય પ્લેયરો શાનદાર ઉજવણીમાં વ્યસ્ત હતા. ત્યારે શરીર પર તિરંગો બાંધીને હાર્દિક પંડ્યા અને ઈશાન કિશને તેની ગર્લફ્રેન્ડ સાથે રાષ્ટ્રધ્વજ શરીર પર લપેટીને અતરંગ ફોટા પડાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ તો એક જગ્યાએ સૂઈ ફોટોગ્રાફરોને વિવિધ પોઝ પણ આપ્યા હતા. આ અંગે ભારતીય તિરંગાનું હળાહળ અપમાન થયું હોવાના આક્ષેપ વડોદરાના શૈલેષ શુક્લ દ્વારા કરવામાં આવ્યા છે. રાષ્ટ્રધ્વજના અપમાન બાદ આ ઘટનાના પરિણામે વિવિધ રાજ્યમાં કેટલીક જગ્યાએ ક્રિકેટર હાર્દિક પંડ્યા સામે તિરંગામાં અપમાનની ફરિયાદો થઈ હતી. ત્યારબાદ વડોદરા ખાતે પણ જાગૃત નાગરિકો દ્વારા પણ કારેલીબાગ પોલીસ મથકે તિરંગાના અપમાન કરવા બદલ હાર્દિક પંડ્યા અને ઈશાન કિશન સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.