World

મિડલ ઈસ્ટમાં અમેરિકાનો પાવર મૂવ

USS Tripoli સાથે 2,500 મરીન્સની એન્ટ્રી, ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ હવે વધુ ખતરનાક વળાંક પર?

મિડલ ઈસ્ટમાં ઈરાન-ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવ વચ્ચે અમેરિકા હવે ખુલ્લેઆમ પોતાની સૈનિકી હાજરી મજબૂત કરી રહ્યું છે. અમેરિકાએ પોતાની શક્તિશાળી એમ્ફિબિયસ અસોલ્ટ શિપ USS Tripoli સાથે આશરે 2,500 મરીન્સને મિડલ ઈસ્ટ તરફ મોકલવાનો નિર્ણય લીધો છે. આંતરરાષ્ટ્રીય મીડિયા અહેવાલો મુજબ આ તૈનાતી એવા સમયે થઈ રહી છે જ્યારે ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે તણાવ માત્ર રાજકીય નિવેદનો સુધી સીમિત નથી રહ્યો, પરંતુ મિસાઇલ, ડ્રોન અને સમુદ્રી સુરક્ષા સુધી મામલો પહોંચી ગયો છે

USS Tripoli સામાન્ય યુદ્ધજહાજ નથી, પરંતુ અમેરિકા માટે એક મૂવિંગ વોર પ્લેટફોર્મ જેવું છે. આ America-class amphibious assault ship છે, જે હેલિકોપ્ટર, ફાઇટર જેટ્સ અને મરીન દળને ઝડપથી સંઘર્ષ ઝોનમાં ઉતારી શકે છે. અમેરિકી નૌકાદળની સત્તાવાર માહિતી મુજબ આ જહાજ હવાઈ, જળ અને જમીન આધારિત ઓપરેશન માટે ડિઝાઇન કરાયું છે, એટલે જરૂર પડે તો રેસ્ક્યુ, હુમલો, દળોની ઉતારણી કે પ્રેશર બિલ્ડ-અપ બધું કરી શકે છે

આ તૈનાતી પાછળનું સૌથી મોટું કારણ Strait of Hormuz માનવામાં આવે છે. આ સમુદ્રી માર્ગ વિશ્વના તેલ વેપાર માટે અત્યંત મહત્વનો છે. અહેવાલો દર્શાવે છે કે અમેરિકાનો હેતુ માત્ર ઈઝરાયેલને ટેકો આપવાનો નથી, પરંતુ આ મહત્વપૂર્ણ રૂટ પર પોતાની મજબૂત પકડ જાળવવાનો પણ છે. જો આ વિસ્તારમાં વધુ હુમલા થાય અથવા સમુદ્રી અવરોધ ઊભા થાય તો વૈશ્વિક તેલ બજાર પર સીધી અસર પડી શકે છે.

વિશેષજ્ઞો માને છે કે આ પગલું ઈરાન માટે સીધો સંદેશ છે, અમેરિકા હવે માત્ર નિરીક્ષક નથી. જોકે કેટલાક અહેવાલોમાં આ પણ સ્પષ્ટ કરાયું છે કે આ તૈનાતીનો અર્થ તરત જ ઈરાન પર ગ્રાઉન્ડ ઇન્વેઝન નથી, પરંતુ તે ડિટરન્સ, રીજનલ પ્રોટેક્શન અને રૅપિડ રિસ્પોન્સ માટેનું સૈનિકી દબાણ છે. એટલે કે, પરિસ્થિતિ બગડે તો અમેરિકા ઝડપથી એક્શન લઈ શકે તેવી સ્થિતિ બનાવી રહ્યું છે.

આ સમગ્ર ઘટનાક્રમ એક જ વાત તરફ ઈશારો કરે છે,ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ હવે બે દેશોની મર્યાદા ઓળંગીને વિશાળ પ્રાદેશિક સંઘર્ષનું સ્વરૂપ લઈ શકે છે. અમેરિકાની આ એન્ટ્રી બાદ મિડલ ઈસ્ટમાં તણાવ વધુ ભભૂકી શકે છે અને તેની સીધી અસર તેલના ભાવથી લઈને વૈશ્વિક સુરક્ષા સુધી જોવા મળી શકે છે. હાલની સ્થિતિમાં દુનિયાની નજર હવે એક જ સવાલ પર છે, શું આ સૈનિકી દાવ રોકથામ માટે છે કે મોટા યુદ્ધની શરૂઆતનો સંકેત?

Most Popular

To Top