મિડલ ઇસ્ટમાં વધતા તણાવ વચ્ચે ઈરાન સમર્થક મિલિશિયા જૂથો દ્વારા નાટો દેશોના સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવાના અહેવાલો સામે આવ્યા છે. ઈરાકના ઈરબિલ નજીક ડ્રોન હુમલામાં ફ્રાન્સના એક સૈનિકનું મોત થયું છે, જ્યારે કેટલાક સૈનિકો ઘાયલ થયા હોવાની માહિતી મળી છે. ફ્રાન્સની સેનાના જણાવ્યા અનુસાર ઈરબિલથી લગભગ 40 કિલોમીટર દૂર આવેલા એક ટ્રેનિંગ સેન્ટરમાં આતંકવાદ વિરોધી તાલીમ ચાલી રહી હતી ત્યારે ડ્રોન હુમલો થયો હતો. આ હુમલામાં ફ્રાન્સીસી અધિકારી અર્નો ફ્રેયનનું મોત થયું છે અને છ સૈનિકો ઘાયલ થયા છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોંએ આ હુમલાની કડક નિંદા કરતાં કહ્યું કે આતંકવાદ સામે લડી રહેલા સૈનિકો પર હુમલો અસ્વીકાર્ય છે અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ ઉપરાંત ઈરબિલ વિસ્તારમાં જ એક અન્ય સૈન્ય ઠેકાણે મિસાઈલ હુમલો થયો હોવાનું પણ જણાવાયું છે, જ્યાં ઈટાલીના સૈનિકો તહેનાત હતા. મિસાઈલ હુમલાથી ભારે વિસ્ફોટ થયો હતો, જોકે પ્રાથમિક અહેવાલ મુજબ કોઈ જાનહાનિ થઈ નથી. સૈન્ય અધિકારીઓએ આ હુમલાઓ પાછળ ઈરાન સમર્થક જૂથોનો હાથ હોવાની શક્યતા વ્યક્ત કરી છે. બીજી તરફ તૂર્કેઈના વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ઈન્કિર્લિક એરબેઝ પર પણ મિસાઈલ હુમલો થયો હોવાનું જાણવા મળ્યું છે. આ એરબેઝ નાટો માટે મહત્વપૂર્ણ છે અને અહીં અમેરિકન સેનાની હાજરી પણ છે. રિપોર્ટ અનુસાર નાટોની એર ડિફેન્સ સિસ્ટમએ કેટલીક મિસાઈલોને હવામાં જ નિષ્ફળ બનાવી દીધી, જેના કારણે મોટું નુકસાન ટળી ગયું હતું. હુમલા બાદ તમામ સૈનિકોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
આ તણાવ વચ્ચે અન્ય એક મોટી ઘટના પણ સામે આવી છે. યુદ્ધની પરિસ્થિતિમાં ઈઝરાયલના બેન ગુરિયન એરપોર્ટ પર અમેરિકન સેનાનું કાર્ગો વિમાન ઈમરજન્સી લેન્ડ કરાવવું પડ્યું હતું, કારણ કે તેની પાંખને નુકસાન થયું હતું. આ ઉપરાંત પશ્ચિમ ઈરાકમાં અમેરિકન સેનાનું બોઈંગ KC-135 સ્ટ્રેટોટેન્કર વિમાન ક્રેશ થયું હોવાની માહિતી મળી છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા મુજબ વિમાનમાં છ લોકો સવાર હતા, જેમાંથી ચારના મોત થયા છે અને બેની શોધખોળ ચાલી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ દુશ્મન તરફથી ફાયરિંગ થયા બાદ વિમાન ક્રેશ થયું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જ્યારે ઈરાન સમર્થિત જૂથોએ વિમાન તોડી પાડ્યાનો દાવો કર્યો છે. મિડલ ઇસ્ટમાં અમેરિકા અને ઈઝરાયલના ઈરાન પર હુમલા અને તેના જવાબમાં ઈરાન તથા તેના સાથી જૂથો દ્વારા કરવામાં આવેલા હુમલાઓ બાદ પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે. ફ્રાન્સ, ઈટાલી અને તૂર્કેઈ જેવા નાટો દેશોના સૈન્ય ઠેકાણાઓ નિશાન બનતાં વૈશ્વિક સ્તરે ચિંતા વધી છે અને હવે નાટો દેશોની સીધી સંડોવણીની સંભાવના પણ વધતી દેખાઈ રહી છે, જેના કારણે વૈશ્વિક સ્તરે ચિંતા વધી ગઈ છે અને વર્લ્ડ વોર 3ની શક્યતા અંગે ચર્ચા તેજ બની છે. સતત વધી રહેલા હુમલાઓ અને નાટો દેશોની સંડોવણીની શક્યતા વચ્ચે મિડલ ઇસ્ટનું સંઘર્ષ હવે વધુ ઉગ્ર બની રહ્યું છે અને વિશ્વભરમાં મોટા યુદ્ધની આશંકા વ્યક્ત થઈ રહી છે.