ઈઝરાયલ-ઈરાન સંઘર્ષને કારણે બળતણના વધતા ખર્ચ અને પુરવઠામાં વિક્ષેપ વચ્ચે દેશના ઘણા શહેરોમાં રેસ્ટોરાંઓએ ગ્રાહકોના બિલમાં કામચલાઉ LPG સરચાર્જ ઉમેરવાનું શરૂ કર્યું છે. કોમર્શિયલ લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ (LPG)ના પુરવઠામાં ઘટાડા અને વધતી કિંમતને કારણે સંચાલકો પર ખર્ચનો ભાર વધ્યો છે, જેના કારણે તેઓ આ વધારાનો ખર્ચ ગ્રાહકો સુધી પહોંચાડવા મજબૂર બન્યા છે. કેટલાક ઉદાહરણોમાં રેસ્ટોરાં બિલમાં સ્પષ્ટ રીતે ‘LPG રિવિઝન’ અથવા ‘ગેસ સપ્લાય ઈશ્યૂ’ તરીકે અલગ ચાર્જ ઉમેરવામાં આવી રહ્યા છે. ઉદાહરણ તરીકે, એક રેસ્ટોરાંની રસીદમાં 70ના સાંભાર-ચોખાના પાર્સલ ઓર્ડર પર 15નો LPG ચાર્જ ઉમેરાતા કુલ બિલ 85 થયું હતું. અન્ય એક કિસ્સામાં, બેંગલુરુના એક રેસ્ટોરાંના બિલમાં ફૂડ ઓર્ડર ઉપરાંત 30નો ગેસ સંબંધિત ચાર્જ ઉમેરાયો હતો.
બીજી તરફ કેટલાક રેસ્ટોરાંએ અલગ સરચાર્જ ઉમેરવાને બદલે મેનુના ભાવમાં સીધો વધારો કરવાનો માર્ગ પસંદ કર્યો હતો. LPG સિલિન્ડરની અછત અને ઊંચા ખર્ચને ધ્યાનમાં રાખીને કેટલીક જગ્યાએ વાનગીઓના ભાવમાં અંદાજે 5થી 10 રૂપિયા સુધી વધારો કરવામાં આવ્યો છે. આ ભાવવધારો પાછળના કારણથી આપણે સૌ વાકેેફ છીએ જ. મિડલ ઇસ્ટમાં વધતો તણાવને કારણે LPGના વૈશ્વિક પુરવઠા પર અસર પડી છે અને ભારત તરફ આવતી શિપમેન્ટમાં પણ વિક્ષેપ નોંધાયો છે. પરિણામે ઘણા શહેરોમાં રેસ્ટોરાંઓને 9 માર્ચથી તેમની સામાન્ય LPG ડિલિવરીનો માત્ર એક ભાગ જ મળવા લાગ્યો છે. પુરવઠામાં ઘટાડા સાથે LPGના ભાવમાં પણ વધારો થયો છે. ઉદ્યોગના સૂત્રો મુજબ 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમત લગભગ 2,100 થી 2,300 સુધી પહોંચી ગઈ છે, જ્યારે એક મહિના પહેલાં તે લગભગ 1,650 આસપાસ હતી.
આ સ્થિતિને ધ્યાનમાં રાખીને નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ સભ્ય રેસ્ટોરાંઓને ગેસનો ઉપયોગ બચાવવા, મેનુને સરળ બનાવવા અને શક્ય હોય ત્યાં ઇલેક્ટ્રિક રસોઈ વિકલ્પો શોધવા સલાહ આપી છે. બીજી તરફ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે જણાવ્યું છે કે હાલની પરિસ્થિતિમાં LPG પુરવઠાને ઘરગથ્થુ ગ્રાહકો તેમ જ હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓ જેવા આવશ્યક ક્ષેત્રોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. રેસ્ટોરાં સંચાલકોનું કહેવું છે કે રસોડામાં સામાન્ય રીતે સિલિન્ડરોનો મર્યાદિત જથ્થો જ રાખી શકાય છે, તેથી LPG પુરવઠામાં થતો થોડો વિક્ષેપ પણ દૈનિક કામગીરીને અસર કરી શકે છે અને તેના કારણે ગ્રાહકોના બિલમાં વધારાનો ખર્ચ જોડવા સિવાય અમારી પાસે બીજો કોઈ વિકલ્પ બચતો જ નથી.