ગાંધીનગર : ગુજરાત વિધાનસભામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે વર્ષ ૨૦૨૬-૨૭ના ₹૭,૬૮૯.૮૪ કરોડના અંદાજપત્રીય માંગણીઓ પસાર કરવામાં આવી હતી. આ અંગે ચર્ચાનો જવાબ આપતાં મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનીષાબેન વકીલે જણાવ્યું હતું કે રાજ્યમાં આંગણવાડીઓને આધુનિક અને ટેકનોલોજી આધારિત બનાવવા માટે અનેક મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. ‘પોષણ ટ્રેકર’ એપ્લિકેશન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી હવે આંગણવાડીઓનું ડિજિટલ મોનિટરિંગ શક્ય બન્યું છે.તેમણે વિપક્ષ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે અગાઉના સમયમાં આંગણવાડીઓમાં નોંધપોથી અને રાશન વ્યવસ્થામાં પારદર્શિતાનો અભાવ હતો, જ્યારે આજે આંગણવાડી બહેનોના હાથમાં સ્માર્ટફોન અને ‘પોષણ ટ્રેકર’ જેવી ટેકનોલોજી ઉપલબ્ધ છે. જેના કારણે છેવાડાના બાળક સુધી પહોંચતી સેવાઓનું રિયલ ટાઈમ મોનિટરિંગ શક્ય બન્યું છે.
ટેકનોલોજીથી પારદર્શિતા
મહિલા વિકાસ મંત્રીએ જણાવ્યું હતું કે ‘પોષણ ટ્રેકર’ એપ્લિકેશન દ્વારા રાજ્યના આદિવાસી વિસ્તારો સુધીના બાળકોના આરોગ્ય અને પોષણ સંબંધિત આંકડા પણ એક ક્લિક પર જાણી શકાય છે. રાજ્યની ૫૩ હજારથી વધુ આંગણવાડીઓમાં લગભગ ૪૮ લાખ લાભાર્થીઓ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત હાજરી વ્યવસ્થા અને ઈમેજ પ્રોસેસિંગ માટે ₹૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
ટેક હોમ રાશન વિતરણમાં ક્યુઆર કોડ ટેકનોલોજીનો ઉપયોગ કરી પારદર્શિતાનું ‘ડિજિટલ કવચ’ પણ ઉભું કરવામાં આવ્યું છે.
કુપોષણ સામે નોંધપાત્ર સફળતા
કુપોષણ મુક્ત ગુજરાતના સંકલ્પ સાથે રાજ્યમાં પોષણ ક્ષેત્રે નોંધપાત્ર સુધારો થયો હોવાનું જણાવતાં મંત્રીએ કહ્યું હતું કે રાષ્ટ્રીય કુટુંબ આરોગ્ય સર્વે–૫ (૨૦૧૯-૨૦)ની સરખામણીએ જાન્યુઆરી-૨૦૨૬ સુધીમાં કુપોષણના દરમાં ૨૮.૩૦ ટકા સુધીનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. અગાઉ ઓછું વજન ધરાવતા નાગરિકોનો દર ૩૯.૭ ટકા હતો, જે હવે ઘટીને ૧૧.૪ ટકા રહ્યો છે.
તેમણે જણાવ્યું હતું કે જાન્યુઆરી ૨૦૨૫થી અત્યાર સુધીમાં ૧૦૦૦થી વધુ નવી આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. વર્ષ ૨૦૨૬-૨૭માં નવા આંગણવાડી ભવનો માટે ₹૩૬૦ કરોડ ફાળવવામાં આવ્યા છે. હવે આંગણવાડીઓમાં સ્માર્ટ ટીવી અને આધુનિક શૈક્ષણિક સાધનો દ્વારા પ્રાથમિક શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, જેથી આ કેન્દ્રો ‘સ્માર્ટ લર્નિંગ સેન્ટર’ બની રહ્યા છે.
મહિલાઓ માટે વિશાળ યોજનાઓ
રાજય સરકાર મહિલાઓના સશક્તિકરણ અને આરોગ્યને પ્રાથમિકતા આપે છે તેમ જણાવતાં મંત્રીએ કહ્યું હતું કે રાજ્ય દેશમાં ૩૭.૪ ટકા જેટલા સર્વાધિક ‘જેન્ડર બજેટ’ સાથે પ્રથમ ક્રમે છે. રાજ્યમાં અંદાજે ૭૭૦ જેટલી મહિલાલક્ષી યોજનાઓ કાર્યરત છે. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ સગર્ભા અને ધાત્રી માતાઓના આરોગ્ય માટે ૫.૨૨ લાખ માતાઓ માટે ₹૨૮૪ કરોડ ફાળવવામાં આવ્યા છે.
દીકરીઓના સશક્તિકરણ માટે યોજનાઓ
દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવા ‘વહાલી દીકરી યોજના’ હેઠળ અત્યાર સુધી ૩,૩૫,૬૦૭ દીકરીઓને સહાય મંજૂર કરવામાં આવી છે. આ યોજના માટે ઓનલાઈન અરજી અને રિયલ ટાઈમ ટ્રેકિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પ્રી-સ્કૂલ પ્રવૃત્તિઓને વેગ આપવા ‘પા પા પગલી’ પ્રોજેક્ટ માટે ₹૧૪.૮૫ કરોડ અને ‘દૂધ સંજીવની’ યોજના હેઠળ ૧૩.૫૦ લાખ લાભાર્થીઓ માટે ₹૨૦૫ કરોડ ફાળવવામાં આવ્યા છે.
મહિલા સુરક્ષા માટે પ્રયત્નો
રાજ્યમાં ૧૮૧ અભયમ હેલ્પલાઈન દ્વારા અત્યાર સુધીમાં ૧૭.૯૬ લાખ મહિલાઓને સહાય આપવામાં આવી છે, જેમાંથી ૩.૫૮ લાખ કિસ્સાઓમાં સ્થળ પર પહોંચી તાત્કાલિક બચાવ કામગીરી કરવામાં આવી છે. ઉપરાંત પારિવારિક વિવાદોના નિરાકરણ માટે રાજ્યમાં ૨૭૦ નારી અદાલતો કાર્યરત છે.
બાલિકા પંચાયતનો પ્રયોગ
કચ્છના કુંનરિયા ગામથી શરૂ થયેલી ‘બાલિકા પંચાયત’ પહેલ હવે સમગ્ર રાજ્યમાં પ્રેરણાદાયી બની છે. ૧૧થી ૨૧ વર્ષની કિશોરીઓ દ્વારા સંચાલિત આ પંચાયત બાળલગ્ન રોકવા અને કિશોરીઓના આરોગ્ય જેવા મુદ્દાઓ પર જાગૃતિ ફેલાવી રહી છે.ડૉ. મનીષાબેન વકીલે જણાવ્યું હતું કે ગુજરાતની નારી હવે ‘અબળા’માંથી ‘સબળા’ બનીને અર્થતંત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. દરેક બાળકને સ્વસ્થ રાખવો, દીકરીઓને શિક્ષિત અને સુરક્ષિત બનાવવી તથા મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવાનો આ બજેટનો મુખ્ય ઉદ્દેશ્ય છે.અંતમાં ડૉ વકીલે જણાવ્યું હતું કે બાળકોનું સ્વાસ્થ્ય કોઈ એક પક્ષનો નહીં પરંતુ સમગ્ર સમાજનો વિષય છે અને ‘સુપોષિત ગુજરાત’થી ‘મજબૂત ભારત’ના નિર્માણ માટે સૌએ મળીને કાર્ય કરવું જોઈએ.