ગાંધીનગર, તા.13
રાજ્ય અને દેશભરમાં સર્જાયેલી ગેસની ગંભીર અછતના મુદ્દે આજે ગુજરાત વિધાનસભા સંકુલમાં (પગથિયા પાસે ) કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પક્ષ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના ધારાસભ્યો હાથમાં ગેસના ખાલી સિલિન્ડર, છાણાં અને લાકડા લઈને વિધાનસભા પહોંચ્યા હતા અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરીને પોતાનો રોષ ઠાલવ્યો હતો.
જનતા ફરી લાઈનમાં ઉભી રહેવા મજબૂર: ડૉ. તુષાર ચૌધરી
વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરીએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, સરકાર ગેસનો પૂરતો પુરવઠો પૂરો પાડવામાં નિષ્ફળ રહી છે. તેમણે ઉમેર્યું કે:
- સામાન્ય જનતા ગેસ સિલિન્ડર માટે કલાકો સુધી લાઈનમાં ઉભી રહેવા મજબૂર બની છે.
- ઔદ્યોગિક પુરવઠો બંધ થતાં સિરામિક જેવા અનેક ઉદ્યોગો ઠપ્પ થઈ ગયા છે.
- કોમર્શિયલ સપ્લાયના અભાવે હોટેલ અને રેસ્ટોરન્ટ્સ બંધ થવાની અણી પર છે.
- જો સ્થિતિ ન સુધરી તો ગૃહિણીઓએ ફરી જૂની પદ્ધતિથી ચૂલા પર રસોઈ બનાવવાનો વારો આવશે.
વડાપ્રધાન અમેરિકા સામે સરેન્ડર થયા: અમિત ચાવડા
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કેન્દ્ર સરકારની વિદેશ નીતિ પર સવાલ ઉઠાવતા ગંભીર આરોપ લગાવ્યો હતો કે, “દેશના વડાપ્રધાન અમેરિકા સામે સરેન્ડર થઈ ગયા છે, જેની સીધી નકારાત્મક અસર દેશના ગેસ પુરવઠા પર પડી રહી છે.” તેમણે વધુમાં જણાવ્યું કે મોંઘવારીના આ સમયમાં જનતાને રાહત આપવાને બદલે સરકાર ગેસની તંગી ઊભી કરીને લોકોની મુશ્કેલીમાં વધારો કરી રહી છે.
તાત્કાલિક પુરવઠો ઉપલબ્ધ કરાવવા માંગ
વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમારે પણ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગેસની અછત ઘર વપરાશ અને ઉદ્યોગો બંનેને પાયમાલ કરી રહી છે. કોંગ્રેસ પક્ષે સરકાર પાસે માંગણી કરી છે કે:
- રાજ્યમાં ગેસનો પૂરતો જથ્થો તાત્કાલિક ઉપલબ્ધ કરાવવામાં આવે.
- અંધાધૂંધી જેવી સ્થિતિ સર્જાય તે પહેલાં હકારાત્મક ઉકેલ લાવવામાં આવે.
- ગૃહિણીઓ અને નાના વેપારીઓને અછતમાંથી રાહત આપવામાં આવે.
આ પ્રદર્શન દ્વારા કોંગ્રેસે આગામી દિવસોમાં આંદોલન વધુ તેજ કરવાની ચીમકી પણ આપી છે.
જો કે આજે વિધાનસભા ગ્રૃહમાં સીનીયર મંત્રી અર્જુન મોઢવાડિયાએ કહ્યુ હતુ કે રાજ્યમાં ગેસની કોઈ અછત નથી.