ગાંધીનગર : જૂનાગઢના ગિરનાર પર્વત પર સ્થિત અંબાજી મંદિરના રસોડાના ભંડારામાં દારૂ અને નોનવેજ પાર્ટી થતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભારે ચકચાર મચી જવા પામી છે. ધાર્મિક આસ્થાના કેન્દ્ર સમાન આ સ્થળે થયેલી ઘટનાથી ભક્તોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. આ ઘટનાની ગંભીરતાને જોતાં સત્તાવાળાઓએ તાત્કાલિક પૂજારી સહિત 11 કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે.
આ અંગે મળતી માહિતી મુજબ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા કથિત વીડિયોમાં બેથી ત્રણ વ્યક્તિઓ ગાળાગાળી કરતા, દારૂ પીતા અને માંસાહાર કરતા જોવા મળે છે. આ વિડીયો તંત્રના ધ્યાન પર આવતા જ તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં તથ્યો સામે આવતા મંદિરની ગરિમા કંલકિત કરવા બદલ પૂજાકી સહિત 11 કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરી, વહીવટી તંત્ર દ્વારા કિશોરસિંહ ચૌહાણ, તુષારગીરી ગૌસ્વામી, પ્રિન્સ ઠાકર, ગૌસ્વામી ભરતગીરી ધનગીરી, ભાર્ગવ ચૌહાણ, શૈલેશગીરી ગૌસ્વામી, ધવલગીરી ગૌસ્વામી, કાંતિગીરી અપારનાથી, દેવગીરી ગૌસ્વામી, વિજયભાઈ ત્રિવેદી અને સમીયા રામ (રસોઈયા)ને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ ઘટના બાદ મામલતદારની સીધી દેખરેખ હેઠળ મંદિર પરિસર અને ખાસ કરીને ભંડારાના રસોડાના ભાગનું શાસ્ત્રોક્ત વિધિ મુજબ ‘શુદ્ધિકરણ’ પણ કરવામાં આવ્યું હતું.
મળતી મહિતી મુજબ ગિરનાર પર્વત પર ગેરકાયદે પ્રવૃત્તિઓ અંગે અગાઉ પણ ફરિયાદો મળી હતી. વાયરલ વીડિયો પુરાવા રૂપે સામે આવતા જ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ લોકોની નિમણૂક મામલતદાર હેઠળ હંગામી ધોરણે કરવામાં આવી હતી, જેને હવે દૂર કરી દેવાયા છે અને વધુ તપાસમાં જે પણ કસૂરવાર સાબિત થશે તેમના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
મંદિરના મહંત બ્રહ્મલીન થયા બાદથી મંદિરનું વહીવટ રાજ્ય સરકારના હસ્તક છે. ઘટનાના પગલે મંદિરની ધાર્મિક વિધિઓમાં કોઈ વિક્ષેપ ન આવે તે માટે નવા બે પૂજારીઓની નિમણૂક પણ કરવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવાઓનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે.