ગાંધીનગર : ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ ગરમીનો પ્રચંડ પ્રકોપ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના કહેવા મુજબ રાજ્યના અનેક શહેરોમાં તાપમાન ૪૦ થી ૪૨ ડિગ્રી સુધી પહોંચી ગયું છે અને કેટલાક વિસ્તારોમાં તીવ્ર ઉકળાટની સ્થિતિ સર્જાઈ છે. રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન વલ્લભ વિદ્યાનગરમાં ૪૨.૩ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જ્યારે સૌથી ઓછું લઘુત્તમ તાપમાન કચ્છના નલિયામાં ૧૭.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ નલિયામાં વહેલી સવારે અને રાત્રે તાપમાન ઓછું નોંધાઈ રહ્યું છે, પરંતુ દિવસ દરમિયાન રાજ્યના અન્ય વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે.
શહેરવાર તાપમાન પર નજર કરીએ તો રાજકોટમાં ૪૨ ડિગ્રી, વડોદરા અને વલ્લભ વિદ્યાનગરમાં ૪૨.3 ડિગ્રીથી વધુ, અમદાવાદ, ગાંધીનગર, સુરત, ડીસા અને કેશોદમાં ૪૧ ડિગ્રી, સુરેન્દ્રનગર અને અમરેલીમાં ૪૧ ડિગ્રી, પોરબંદર અને મહુવામાં ૪૦ ડિગ્રી, ભાવનગર અને કંડલા પોર્ટ પર ૩૯ ડિગ્રી, ભૂજમાં ૩૯ ડિગ્રી જ્યારે દમણમાં ૩૩ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. નલિયામાં દિવસ દરમિયાન ૩૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ અમદાવાદ, ડીસા, સુરત અને આણંદ સહિતના ગુજરાત વિસ્તારના કેટલાક જિલ્લાઓમાં તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના પોરબંદર, રાજકોટ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભાવનગર અને કચ્છ જિલ્લામાં અનેક વિસ્તારોમાં તીવ્ર ઉકળાટની સ્થિતિ જોવા મળી છે. જ્યારે ગાંધીનગર અને વડોદરા સહિત કેટલાક વિસ્તારોમાં સામાન્ય ઉકળાટની સ્થિતિ નોંધાઈ છે.
હવામાન વિભાગે ૧૩ માર્ચ માટે રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં તીવ્ર ઉકળાટની સ્થિતિ સર્જાય તેવી સંભાવના દર્શાવતા ઓરેન્જ એલર્ટ જાહેર કરી છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરા અને સુરત જિલ્લામાં તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના પોરબંદર, જૂનાગઢ, અમરેલી, મોરબી અને કચ્છ જિલ્લામાં ઉકળાટની સ્થિતિ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત ગાંધીનગર, અમદાવાદ, આણંદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમ રાત્રીની સ્થિતિ સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવાની અસર પણ અનુભવાઈ શકે છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી ૨૪ કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય, પરંતુ ત્યારબાદ તાપમાનમાં ધીમે ધીમે ૨ થી ૪ ડિગ્રી સુધી ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમ છતાં ૧૩ માર્ચ સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવાની અસ્વસ્થતા યથાવત રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે.