Vadodara

ભાયલીમાં ‘ઝેરી’ દુર્ગંધનું સામ્રાજ્ય: રહીશોના શ્વાસ રૂંધાયા, આખરે GPCB ઊંઘમાંથી જાગ્યું!

રાત્રિના સમયે હવામાં ફેલાતી રહસ્યમય ગંધથી લોકો પરેશાન; પ્રદૂષણ માપવા સોસાયટીઓ બહાર ‘મોનિટરિંગ વેન’ તૈનાત કરાઈ

વડોદરાનો પોશ અને ઝડપથી વિકસતો ભાયલી વિસ્તાર છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય દુર્ગંધ અને વાયુ પ્રદૂષણની ઝપેટમાં આવ્યો છે. સ્થાનિક રહીશો દ્વારા વારંવાર કરવામાં આવેલી રજૂઆતો અને વધતા જનરોષ બાદ આખરે તંત્ર સફાળું જાગ્યું છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આ વિસ્તારમાં હવાની ગુણવત્તા ચકાસવા માટે ખાસ મોનિટરિંગ વેન તૈનાત કરવામાં આવી છે.

ભાયલી વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી હવામાં એક તીવ્ર અને રહસ્યમય દુર્ગંધ ફેલાયેલી છે. ખાસ કરીને વહેલી સવારે અને રાત્રિના સમયે આ દુર્ગંધ એટલી ભયાનક હોય છે કે સ્થાનિકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. રહીશોનો આરોપ છે કે આસપાસના ઔદ્યોગિક એકમો દ્વારા રાત્રિના સમયે ઝેરી વાયુ છોડવામાં આવે છે અથવા ગેરકાયદેસર રીતે કેમિકલ યુક્ત કચરો ઠાલવવામાં આવે છે, જેના કારણે લોકોનું જીવવું મુશ્કેલ બન્યું છે.
સ્થાનિક રહીશોની ફરિયાદ બાદ GPCB ની ટીમ એક્શનમાં આવી છે. ભાયલીની સ્ટાર રેસિડેન્સી પાસે GPCB દ્વારા એક અત્યાધુનિક મોનિટરિંગ વેન 24 કલાક માટે મૂકવામાં આવી છે. આ મશીનરી દ્વારા હવામાં રહેલા પ્રદૂષિત કણો અને દુર્ગંધના સ્ત્રોત વિશે માહિતી મેળવવામાં આવશે.
સ્થાનિક રહીશોએ માંગ કરી છે કે આ પ્રદૂષણ ફેલાવનાર અસલી ગુનેગારોને શોધી કાઢવામાં આવે અને તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. હાલમાં GPCB દ્વારા હવાની ગુણવત્તાના સેમ્પલ લેવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. તપાસના રિપોર્ટ આવ્યા બાદ આ રહસ્યમય દુર્ગંધ પાછળનું સાચું કારણ બહાર આવશે.

Most Popular

To Top