જિલ્લા પુરવઠા વિભાગ ખાતે ગેસ અછતની બૂમ વચ્ચે અધિકારીએ આપી હૈયાધારણ
જિલ્લામાં ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, અફવાઓથી દૂર રહેવા જી.એન.દેસાઈની અપીલ
(પ્રતિનિધિ), વડોદરા. તા.13
શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રાંધણ ગેસના બોટલને લઈને સર્જાયેલી અસમંજસ અને કથિત અછતને પગલે આજે સામાજિક કાર્યકરોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. સામાજિક કાર્યકરોનો એક સમૂહ એકત્રિત થઈને કલેક્ટર ઓફિસમાં પુરવઠા વિભાગની કચેરીએ પહોંચ્યો હતો અને સૂત્રોચ્ચાર સાથે વાતાવરણ ગજવી દીધું હતું.

આ મામલે જિલ્લા પુરવઠા અધિકારી જી.એન. દેસાઈને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. સામાજિક કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે ગેસ એજન્સીઓ પર લાંબી કતારો જોવા મળી રહી છે અને સામાન્ય જનતામાં ગેસના પુરવઠાને લઈને ભયનો માહોલ છે. ગૃહિણીઓને પડતી હાલાકી અને બ્લેક માર્કેટિંગની આશંકા વ્યક્ત કરતા કાર્યકરોએ તંત્ર પાસે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી હતી. લોકોના રસોડા સુધી ગેસ સમયસર પહોંચવો જોઈએ તેવી માંગ કરી હતી.

જિલ્લા પુરવઠા અધિકારી જી.એન. દેસાઈએ જણાવ્યું હતું કે, જિલ્લામાં એલ.પી.જી. (LPG) ઘરેલું ગેસના બોટલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જિલ્લામાં ગેસનો કોઈ સ્ટોક ખૂટ્યો નથી, કંપનીઓ દ્વારા નિયમિત સપ્લાય ચાલુ છે. લોકોએ ગભરાઈને ગેસ એજન્સીઓ પર ભીડ કરવાની કે લાંબી કતારો લગાવવાની કોઈ જરૂર નથી. પુરવઠા બાબતે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી, તંત્ર સતત મોનિટરિંગ કરી રહ્યું છે.

અધિકારીએ સામાજિક કાર્યકરોને ખાતરી આપી હતી કે જો કોઈ એજન્સી જાણીજોઈને અછત ઊભી કરશે અથવા ગેરરીતિ આચરશે, તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલ પૂરતો પુરવઠો સુલભ હોવાથી નાગરિકોએ અફવાઓ પર ધ્યાન ન આપવા અને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે. હવે જોવાનું એ રહે છે કે તંત્રની આ હૈયાધારણ બાદ એજન્સીઓ પરની ભીડ ઓછી થાય છે કે કેમ, પરંતુ આજની આ રજૂઆતે પુરવઠા વિભાગને દોડતું કરી દીધું છે તે ચોક્કસ છે.