World

મુંબઈમાં રહેતા ભારતીય એન્જિનિયરની મોત! ઇરાક પાસે તેલ ટેન્કર પર ભયંકર હુમલો

મધ્યપૂર્વમાં વધતા તણાવ વચ્ચે ઇરાક નજીક દરિયામાં એક તેલ ટેન્કર પર થયેલા હુમલામાં મુંબઈમાં રહેતા ભારતીય એન્જિનિયરની મોત થતાં ભારતીય સમુદ્રી ક્ષેત્રમાં શોકની લાગણી ફેલાઈ છે.

માહિતી મુજબ MT Safesea Vishnu નામના ટેન્કર પર થયેલા હુમલામાં એડિશનલ ચીફ એન્જિનિયર દેઓનંદન પ્રસાદ સિંહનું બુધવારે મોત થયું હતું. તેઓ મૂળ બિહારના રહેવાસી હતા અને હાલમાં મુંબઈના કાંદિવલી વિસ્તારમાં પરિવાર સાથે રહેતા હતા. આ ઘટના ઇરાકના બસરા શહેર નજીક આવેલા Khor Al Zubair Port નજીક બની હતી. ત્યારે ટેન્કર પર શિપ-ટુ-શિપ કાર્ગો લોડિંગ કામગીરી ચાલી રહી હતી. આ માહિતી Directorate General of Shipping દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ નોટમાં આપવામાં આવી છે.

રિપોર્ટ મુજબ લગભગ 48,000 મેટ્રિક ટન નાફ્થા લઈ જતું ટેન્કર અચાનક અજાણ્યા ઓબ્જેક્ટથી ટકરાયું હતું. પ્રાથમિક તપાસ મુજબ સફેદ રંગની માનવરહિત સ્પીડબોટ, જેમાં વિસ્ફોટકો ભરેલા હતા, તે ટેન્કરની સ્ટારબોર્ડ સાઇડથી આવી અથડાઈ હતી. આ અથડામણ બાદ જહાજ પર ભયંકર આગ લાગી ગઈ હતી.

હુમલા બાદ જહાજના તમામ ક્રૂ સભ્યોને સલામતી માટે દરિયામાં કૂદવું પડ્યું હતું. નજીકમાં હાજર STS ટગ બોટ દ્વારા તેમને બચાવી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ Iraqi Coast Guardએ બાકીના 27 ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. આ ક્રૂમાં 15 ભારતીય અને 12 ફિલિપિનો નાગરિકો સામેલ હતા. તેમને બસરા બંદર નજીકના એક નાના ટાપુ પર પહોંચાડવામાં આવ્યા છે.

દેઓનંદન સિંહના પરિવારજનો મુજબ કંપની તરફથી તેમને મૃત્યુ અંગે માહિતી મળી હતી, પરંતુ હજી સુધી શિપિંગ મંત્રાલય તરફથી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. તેમના સાળા ડૉ. ચંદન કુમારે જણાવ્યું કે પરિવાર હાલમાં ભારે આઘાતમાં છે.

આ દરમિયાન Embassy of India in Baghdad ઇરાકની સત્તાઓ સાથે સંપર્કમાં રહી ભારતીય નાગરિકોની સલામતી અને જરૂરી સહાય સુનિશ્ચિત કરી રહી છે. આ ઘટના બાદ સમુદ્રી માર્ગ પર વધતા હુમલાઓને કારણે ભારતીય નાવિકોની સુરક્ષા અંગે ફરી ચિંતા ઊભી થઈ છે.

Most Popular

To Top