• દાંડિયા બજાર વિસ્તારમાં મોડી રાતે એક રાઉન્ડ હવામાં ફાયરિંગ
• રાવપુરા પોલીસે બંદૂક-કારતૂસ સાથે આરોપીની અટકાયત કરી
વડોદરા તા.13
વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં મોડી રાતે ફાયરિંગની ઘટના સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. રાવપુરા વિસ્તારના કાકાસાહેબના ટેકરા પાસે આવેલા નવદુર્ગા મંદિર નજીક જીઆઈએસએફના કર્મચારી દ્વારા હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતાં રાવપુરા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને ચિક્કાર નશાની હાલતમાં રહેલા જવાનને બંદૂક અને કારતૂસ સાથે કાબૂમાં લઈ અટકાયત કરી હતી.
પ્રાથમિક માહિતી મુજબ દાંડિયા બજાર વિસ્તારમાં કાકાસાહેબના ટેકરા નજીક આવેલા મંદિર પાસે જીઆઈએસએફના જવાને અગમ્ય કારણોસર હવામાં ફાયરિંગ કર્યું હતું. બનાવની જાણ થતાં પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી આરોપીને કાબૂમાં લેવામાં આવ્યો હતો અને તેની પાસેથી બંદૂક તેમજ કારતૂસ કબજે કરવામાં આવ્યા હતા.
પોલીસ તપાસમાં બહાર આવ્યું કે ફાયરિંગ કરનાર વ્યક્તિનું નામ રાજ નરેન્દ્રસિંહ દોલતસિંહ હોવાનું અને તે જીઆઈએસએફમાં કર્મચારી તરીકે ફરજ બજાવતો હતો. તે હાલ વડોદરાના જીએસટી ભવનમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ પર હતો. આરોપી મૂળ ભરુચ જિલ્લાના જંબુસરનો રહેવાસી હોવાનું પણ સામે આવ્યું છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપી ચિક્કાર દારૂના નશામાં હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. આ બનાવ અંગે રાવપુરા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન તેમજ જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. હાલ ફાયરિંગ પાછળનું ચોક્કસ કારણ અકબંધ છે અને સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.