ભાવમાં કોઈ ફેરફાર નહીં, મોંઘવારીના જમાનામાં રાહતની ખબર, જૂના ભાવે જ મળશે કેરોસીનનો જથ્થો
(પ્રતિનિધિ), વડોદરા. તા.12
વિશ્વભરમાં પ્રવર્તતી ભૌગોલિક અને રાજકીય પરિસ્થિતિને કારણે ઊર્જા પુરવઠા પર સર્જાયેલા જોખમોને ધ્યાનમાં રાખીને ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મંત્રાલયે વર્ષ 2025-26ના સમયગાળા માટે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ સુપિરિયર કેરોસીન ઓઈલ ની એડહોક ફાળવણી કરવાની જાહેરાત કરી છે.
મંત્રાલયના સત્તાવાર પરિપત્ર અનુસાર, હાલમાં વૈશ્વિક સ્તરે ઊર્જા પુરવઠાને અસર કરતી પરિસ્થિતિઓને કારણે સામાન્ય જનતાને મુશ્કેલી ન પડે તે હેતુથી આ નિર્ણય લેવાયો છે. ખાસ કરીને રસોઈ અને પ્રકાશ માટે કેરોસીન પર નિર્ભર પરિવારોને પડતી સંભવિત અસરોને ઘટાડવા માટે આ એડહોક જથ્થો ફાળવવામાં આવ્યો છે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ફાળવવામાં આવેલો સંપૂર્ણ જથ્થો 45 દિવસની અંદર ઉપાડી લેવાનો રહેશે. જો કોઈ રાજ્ય નિયત સમયમાં જથ્થો નહીં ઉપાડે, તો તેને આગળ વધારવાની મંજૂરી આપવામાં આવશે નહીં. વધુમાં, રાહતની વાત એ છે કે હાલની ભાવ પદ્ધતિમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, એટલે કે જૂના ભાવે જ કેરોસીન ઉપલબ્ધ થશે. આ નિર્ણયથી દેશના લાખો મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારોને રાહત મળવાની આશા છે.
બોક્ષ :- વિતરણ વ્યવસ્થા અને શરતો
કેન્દ્ર સરકારે આ ફાળવણી માટે કેટલાક કડક દિશાનિર્દેશો પણ જાહેર કર્યા છે,
*વિતરણના માધ્યમો : આ કેરોસીનનો જથ્થો જાહેર વિતરણ પ્રણાલી ની વાજબી ભાવની દુકાનો દ્વારા અથવા ઓઈલ માર્કેટિંગ કંપનીઓના રિટેલ આઉટલેટ્સ દ્વારા વિતરણ કરવામાં આવશે.
*રાજ્યોની ભૂમિકા : વિતરણનો સ્કેલ અને માપદંડ જે-તે રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા નક્કી કરવામાં આવશે. રાજ્યોએ PSU ઓઈલ કંપનીઓ સાથે પરામર્શ કરીને આ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.
*ગ્રામીણ વિસ્તારોને અગ્રતા : સરકાર દ્વારા રાજ્યોને સૂચના આપવામાં આવી છે કે તેઓ ગ્રામીણ વિસ્તારોમાં રહેતા પરિવારોને કેરોસીન ફાળવણીમાં પ્રાથમિકતા આપે.
*ગેરઉપયોગ પર પ્રતિબંધ : રાજ્ય સરકારોએ એ વાતની ખાસ તકેદારી રાખવાની રહેશે કે આ કેરોસીનનો જથ્થો પેટ્રોલ કે ડીઝલમાં ભેળસેલ કરવા માટે અથવા અન્ય કોઈ બિનકાયદેસર પ્રવૃત્તિ માટે ઉપયોગમાં ન લેવાય.