National

દેશમાં પેટ્રોલ-ડીઝલ કે ગેસની અછત નહીં, CNG સપ્લાય 100% ચાલુ: લોકસભામાં પેટ્રોલિયમ મંત્રી

મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે દેશમાં ઈંધણની અછત સર્જાવાની આશંકાઓને કેન્દ્ર સરકારે નકારી કાઢી છે. લોકસભામાં કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ સ્પષ્ટ જણાવ્યું કે દેશમાં પેટ્રોલ, ડીઝલ અને કેરોસીનની સપ્લાય સંપૂર્ણપણે સામાન્ય છે અને કોઈપણ પ્રકારની અછત નથી. તેમણે નાગરિકોને ગભરાઈને સંગ્રહખોરી ન કરવાની અપીલ પણ કરી હતી. મંત્રીએ જણાવ્યું કે દેશમાં કાચા તેલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને સરકાર સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. ખાસ કરીને રાંધણ ગેસ અંગે તેમણે મહત્વપૂર્ણ માહિતી આપતા જણાવ્યું કે છેલ્લા પાંચ દિવસમાં દેશમાં LPGના ઉત્પાદનમાં 28 ટકા વધારો કરવામાં આવ્યો છે. હાલ ગેસ સિલિન્ડરની બુકિંગથી ડિલિવરી સુધીનો સરેરાશ સમય માત્ર 2.5 દિવસનો રહ્યો છે.

પૅનિક બુકિંગ અને કાળાબજારી અટકાવવા માટે સરકારે નવા નિયમો પણ લાગુ કર્યા છે. આ નિયમો મુજબ શહેરી વિસ્તારોમાં 25 દિવસ અને ગ્રામિણ વિસ્તારોમાં 45 દિવસના અંતરાલ બાદ જ નવું ગેસ સિલિન્ડર બુક કરી શકાશે. સરકારે ઘરેલુ જરૂરિયાતોને પ્રાથમિકતા આપતા CNG અને પાઈપ્ડ નેચરલ ગેસની 100 ટકા સપ્લાય સુનિશ્ચિત કરી છે. ઉદ્યોગોને 80 ટકા અને ખાતરના પ્લાન્ટોને 70 ટકા ગેસ ફાળવવામાં આવી રહ્યો છે. ઉપરાંત હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓને પણ એલપીજી સપ્લાયમાં પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.

હોટેલ અને રેસ્ટોરન્ટ સેક્ટર પર એલપીજીનો દબાણ ઓછો કરવા માટે સરકારએ એક મહિના સુધી બાયોમાસ અને કેરોસીન જેવા વૈકલ્પિક ઈંધણનો ઉપયોગ કરવાની છૂટ પણ આપી છે.મંત્રીએ સંસદમાં વધુમાં જણાવ્યું કે વિશ્વનું લગભગ 20 ટકા ક્રૂડ ઓઈલ અને એલપીજી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ માર્ગેથી પસાર થાય છે, પરંતુ ભારતે હવે પોતાની આયાતની રણનીતિ બદલી છે. ભારતે 40થી વધુ દેશોમાંથી તેલની આયાત શરૂ કરી છે અને કેનેડા, નોર્વે તથા રશિયા જેવા દેશો પાસેથી પુરવઠો મેળવીને હોર્મુઝ સિવાયના સ્ત્રોતો પર નિર્ભરતા વધારીને 70 ટકા સુધી પહોંચાડી છે.સરકારે જણાવ્યું કે આ વૈકલ્પિક સપ્લાય ચેઈનને કારણે દેશની ઊર્જા સુરક્ષા મજબૂત બની છે અને હાલ કોઈપણ પ્રકારની અછત થવાની શક્યતા નથી.

Most Popular

To Top