ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત એવું થયું છે કે સુપ્રીમ કોર્ટે કોઈને ઈચ્છામૃત્યુ માટે મંજૂરી આપી હોય. દેશમાં છેલ્લા 13 વર્ષથી કોમામાં રહેલા હરીશ રાણા નામના વ્યક્તિને ઈચ્છામૃત્યુ માટે તેના પરિવારજનો દ્વારા વિનંતી કરવામાં આવી હતી. જેનો સુપ્રીમ કોર્ટ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે. હરીશ રાણા હાલમાં લાઈફ સપોર્ટ સિસ્ટમ પર છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચે એઈમ્સને નિર્દેશ આપ્યો છે કે, હરીશ રાણાને પેલિએટિવ કેરમાં દાખલ કરવામાં આવે, જેથી જીવનરક્ષક સારવારને તબક્કાવાર રીતે હટાવી શકાય. આ પ્રક્રિયા એવી રીતે હાથ ધરવી જોઈએ કે જેથી દર્દીની ગરિમા જળવાઈ રહે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાએ દેશમાં નવો ચીલો પાડ્યો છે. આમ તો ભારતના બંધારણની કલમ 21 પણ સન્માનપૂર્વક જીવવાના અધિકારની સાથે સન્માનપૂર્વક મૃત્યુ પામવાનો અધિકાર પણ આપે છે. જોકે, આવા કેસમાં ઈચ્છામૃત્યુની મંજૂરી જરૂરી હોય છે.
મુળ યુપીના ગાઝીયાબાદનો વતની પણ દિલ્હીમાં જન્મેલો હરીશ રાણા ચંદીગઢની પંજાબ યુનિવર્સિટીમાંથી બીટેકનો અભ્યાસ કરી રહ્યો હતો. સને 2013માં તે હોસ્ટેલના ચોથા માળેથી પડી ગયો અને તેને ઈજાને કારણે આખા શરીરમાં લકવો થઈ ગયો અને કોમામાં જતો રહ્યો. હરીશ રાણાની એવી સ્થિતિ થઈ કે તે ન તો બોલી શકતો હતો કે ન તો કશું અનુભવી શકતો હતો. તબીબોએ જણાવ્યું હતું કે, હરીશ રાણાના મગજની નસો સંપૂર્ણપણે સુકાઈ ગઈ છે.
હરીશ રાણાના પરિવારની એવી સ્થિતિ થઈ કે તેની સારવાર માટે દિલ્હીના દ્વારકા ખાતે આવેલું તેમનું મકાન વેચવું પડ્યું હતું. હાલમાં તેઓ ગાઝિયાબાદના બે રૂમના એક ફ્લેટમાં રહે છે. હરીશના પિતા અશોક રાણા તાજ કેટરિંગમાં નોકરી કરતાં હતા અને તેઓ નિવૃત્ત થઈ ચૂક્યા છે. હાલમાં તેમને માત્ર 3600 પેન્શન મળે છે. સાથે સાથે દર શનિવાર અને રવિવારે ગાઝિયાબાદના એક ક્રિકેટ ગ્રાઉન્ડમાં સેન્ડવીચ અને બર્ગર વેચે છે જેથી કોઈક રીતે ઘરનો ખર્ચ અને દીકરાની સારવાર થઈ શકે.
હરીશ રાણાના માતા-પિતા તેની સાજા થવાની આશા ગૂમાવી ચૂક્યા છે અને તેમના પછી હરીશને જોનારૂં કોઈ નથી. ડોકટરોએ પણ હરીશને ક્વાડ્રિપ્લેજિયા બીમારીથી પીડિત જાહેર કર્યો. આમાં દર્દી સંપૂર્ણપણે ફીડિંગ ટ્યુબ એટલે કે ખાવા-પીવાની નળી અને વેન્ટિલેટર સપોર્ટ પર નિર્ભર રહે છે. આમાં રિકવરીની કોઈ શક્યતા હોતી નથી.હરીશને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવાનો ખર્ચ દર મહિનાનો 25થી 30 હજાર રૂપિયા છે અને છેલ્લા 13 વર્ષથી આ સ્થિતિ હોવાથી તેઓએ કોર્ટમાં ઈચ્છામૃત્યુ માંગ્યું હતું.
ઈચ્છામૃત્યુને મંજૂરી આપતી વખતે જસ્ટિસ પારડીવાલાએ અમેરિકન ધર્મગુરુ હેનરી વોર્ડ બીચરના શબ્દો ટાંકીને કહ્યું હતું કે, “ઈશ્વર મનુષ્યને એ નથી પૂછતા કે તે જીવન સ્વીકારે છે કે નહીં, તેણે જીવન જીવવું જ પડે છે.” તેમણે વિલિયમ શેક્સપીયરના પ્રખ્યાત નાટક ‘હેમ્લેટ’ની પંક્તિ “To be or not to be”નો ઉલ્લેખ કરતા કહ્યું કે, અદાલતોએ ઘણીવાર આ પ્રકારના પ્રશ્નોના સંદર્ભમાં ‘મૃત્યુના અધિકાર’ પર વિચાર કરવો પડે છે.
ભારતમાં વર્ષ 2005માં ‘કોમન કોઝ’ નામની એક બિનસરકારી સંસ્થાએ પેસિવ યુથેનેશિયા એટલે કે નિષ્ક્રિય ઇચ્છામૃત્યુના અધિકારની માંગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી. આ અરજી પર 9 માર્ચ 2018ના રોજ તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાની આગેવાની હેઠળની 5 જજોની બેન્ચે ઈચ્છામૃત્યુને કાયદેસરની માન્યતા આપી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે એવું જણાવ્યું હતું કે, ‘‘જો કોઈ દર્દી અસાધ્ય રોગથી પીડાતો હોય અથવા વેજિટેટિવ સ્ટેટમાં હોય (માત્ર લાઈફ સપોર્ટ સિસ્ટમ પર જ જીવિત હોય), તો કુદરતી રીતે મૃત્યુ મેળવવા માટે તેની સારવાર બંધ કરી શકાય છે. તેને ઈચ્છામૃત્યુ નહીં, પરંતુ સન્માન સાથે મૃત્યુ પામવાનો અધિકાર માનવામાં આવશે.” આ નિર્ણયના આધારે જ સુપ્રીમ કોર્ટે હરીશ રાણાના ઈચ્છામૃત્યુને મંજૂરી આપી છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને પગલે હવે દેશમાં મેડિકલના આધાર પર જો કોઈ દર્દી સારો થઈ જ શકતો નહીં હોય તો તેને ઈચ્છામૃત્યુની મંજૂરી મળી શકે તેમ છે.