મિડલ ઇસ્ટમાં ઈરાન–ઈઝરાયલ યુદ્ધને કારણે વિશ્વભરમાં અશાંતિનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ઘણા દેશોમાં પેટ્રોલ, ડીઝલ અને LPG જેવી ઊર્જા સામગ્રીની અછત અંગે ચિંતા વ્યક્ત થઈ રહી છે. આવી સ્થિતિમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આશ્વાસન આપ્યું છે કે ભારતમાં કોઈ સંકટ ઉભું થયું નથી અને લોકો અફવાઓથી સાવચેત રહે. કેરળના એર્નાકુલમમાં એક કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ કોંગ્રેસ અને ડાબેરી પક્ષો પર નિશાન સાધ્યું હતું. તેમણે જણાવ્યું કે ભાજપ-એનડીએ સરકાર દેશને આત્મનિર્ભર બનાવવા માટે સતત પ્રયત્ન કરી રહી છે, જ્યારે કોંગ્રેસ અને ડાબેરી પક્ષો આત્મનિર્ભર ભારત અભિયાનની મજાક ઉડાવવામાં વ્યસ્ત છે. તેમના જણાવ્યા મુજબ, અગાઉ કોંગ્રેસ અને ડાબેરીઓએ મળીને સરકારો ચલાવી હતી અને તે સમયમાં દેશને વધુને વધુ વિદેશી દેશો પર નિર્ભર બનાવવામાં આવ્યો હતો. પીએમ મોદીએ આક્ષેપ કર્યો કે યુદ્ધ જેવી સંવેદનશીલ પરિસ્થિતિમાં પણ કોંગ્રેસ અને તેની સહયોગી વિચારધારા ધરાવતા લોકો દેશમાં ભય અને અફવાઓ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે દેશના નાગરિકોને અપીલ કરી કે આવી અફવાઓથી સાવચેત રહેવું જોઈએ અને ગેરમાર્ગે દોરતી માહિતી પર વિશ્વાસ ન કરવો જોઈએ.તેમણે વધુમાં કહ્યું કે વૈશ્વિક સંકટ જેવી પરિસ્થિતિમાં રાજકારણ કરવું દુર્ભાગ્યપૂર્ણ છે. તેમના જણાવ્યા અનુસાર, ઉશ્કેરણીજનક અને બેજવાબદાર નિવેદનો પરિસ્થિતિને વધુ જટિલ બનાવી શકે છે અને સામાન્ય લોકોને મુશ્કેલીમાં મૂકી શકે છે.
મિડલ ઇસ્ટમાં ચાલી રહેલી પરિસ્થિતિ અંગે પીએમ મોદીએ જણાવ્યું કે અખાત ક્ષેત્રમાં જે કંઈ પણ થઈ રહ્યું છે તે ચિંતાજનક છે. આ પરિસ્થિતિએ ફરી એકવાર સાબિત કર્યું છે કે દેશ માટે આત્મનિર્ભર બનવું કેટલું જરૂરી છે. તેમણે કહ્યું કે કોવિડ મહામારી, યુક્રેન યુદ્ધ અને હાલના સંઘર્ષે બતાવ્યું છે કે મુશ્કેલ સમયમાં સ્વાવલંબન ખૂબ મહત્વપૂર્ણ બની જાય છે. પીએમ મોદીએ એ પણ જણાવ્યું કે સરકાર વિદેશોમાં રહેલા ભારતીયોની સુરક્ષા અંગે સતત ચિંતિત છે. ગલ્ફ અને પશ્ચિમ એશિયામાં સ્થિત ભારતીય દૂતાવાસો 24 કલાક સહાયતા પૂરી પાડી રહ્યા છે. તેમણે યાદ અપાવ્યું કે અગાઉ પણ ઈરાકમાં ફસાયેલા નર્સોને બચાવવાની કામગીરી હોય કે યમનમાં ફાધર ટોમને આતંકવાદીઓના ચુંગાલમાંથી છોડાવવાની ઘટના, ભારતે મુશ્કેલીના સમયમાં પોતાના નાગરિકોને ક્યારેય એકલા છોડ્યા નથી. તેમણે કહ્યું કે આજેય સરકાર યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ પ્રયાસો કરી રહી છે.