LPGની અછતથી રેસ્ટોરન્ટ ઉદ્યોગ મુશ્કેલીમાં,બેંગલુરુના હોટેલોમાં સંકટ
દેશના અનેક શહેરોમાં કોમર્શિયલ એલપીજી (LPG) સિલિન્ડરની અછતના કારણે રેસ્ટોરન્ટ અને હોટેલ ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે. સરકાર ઘરેલુ ગેસ સપ્લાયને પ્રાથમિકતા આપી રહી હોવાથી રેસ્ટોરન્ટોને મળતા કોમર્શિયલ સિલિન્ડરની સપ્લાયમાં અચાનક ઘટાડો થયો હોવાનું ઉદ્યોગકારો જણાવી રહ્યા છે. પરિણામે ઘણા રેસ્ટોરન્ટોએ ગેસ બચાવવા માટે મેનૂમાં ફેરફાર કરવાની ફરજ પડી છે.

મુંબઈ, બેંગલુરુ અને ગુરુગ્રામ સહિતના શહેરોમાં અનેક ખાવાના સ્થળોએ ગેસના ઓછા પુરવઠાને કારણે ઝડપથી તૈયાર થતી વાનગીઓ પર વધુ ધ્યાન આપવાનું શરૂ કર્યું છે. કેટલીક જગ્યાએ કોલસાથી ચાલતા તંદૂરનો ઉપયોગ વધારવામાં આવ્યો છે, જ્યારે કેટલાક રસોડાંએ ઇન્ડક્શન અથવા ઇલેક્ટ્રિક ઓવનનો સહારો લીધો છે. જોકે રેસ્ટોરન્ટ માલિકોનું કહેવું છે કે ઊંચી જ્વાળાની જરૂરિયાત ધરાવતા પેન-એશિયન, ઓરિએન્ટલ વાનગીઓ માટે આ વિકલ્પો પૂરતા અસરકારક નથી.
બેંગલુરુના જાણીતા રેસ્ટોરન્ટોના સંચાલકો જણાવે છે કે દક્ષિણ ભારતીય વાનગીઓ, ખાસ કરીને ઢોસા બનાવવામાં સતત જ્વાળાની જરૂર પડે છે અને તેમાં વધુ ગેસ વપરાય છે. એક મોટા રેસ્ટોરન્ટમાં દરરોજ 6 થી 8 સિલિન્ડર સુધીનો વપરાશ થાય છે, જ્યારે મોટા હોટેલો 10 થી 12 સિલિન્ડર સુધી ઉપયોગ કરે છે. ગેસની અછતને કારણે કેટલાક સ્થળોએ એક સાથે ચાલતા તવા (તવા સ્ટેશન)ની સંખ્યા ઘટાડવામાં આવી છે જેથી ઉપલબ્ધ સિલિન્ડર થોડા દિવસ વધુ ચાલે.
ઉદ્યોગ પ્રતિનિધિઓના જણાવ્યા અનુસાર સપ્લાયમાં ઘટાડો 9 માર્ચથી સ્પષ્ટ જોવા મળ્યો હતો, જ્યારે ઘણી હોટેલોને તેમના નિયમિત પુરવઠાના માત્ર 20 ટકા જેટલા સિલિન્ડર મળ્યા હતા. ત્યારબાદ કેટલીક જગ્યાએ સપ્લાય સંપૂર્ણપણે બંધ થવાના અહેવાલો પણ મળ્યા છે.વિતરણ એજન્સીઓ પણ અછતની પુષ્ટિ કરી રહી છે. એક ગેસ એજન્સીના કર્મચારીના જણાવ્યા અનુસાર કોમર્શિયલ સિલિન્ડર માટે વેઇટિંગ સમય 25 દિવસ સુધી પહોંચી ગયો છે. બીજી તરફ, બ્લેક માર્કેટમાં એક સિલિન્ડરની કિંમત ₹2800 થી ₹3000 સુધી પહોંચી ગઈ હોવાનું પણ કહેવામાં આવે છે, જ્યારે સત્તાવાર ભાવ લગભગ ₹1940 છે.
આ સ્થિતિને ધ્યાનમાં રાખીને કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કેન્દ્ર સરકારને તાત્કાલિક હસ્તક્ષેપ કરવા અપીલ કરી છે, જેથી હોટેલો, મેસ અને કેટરિંગ વ્યવસાય પર પડતી અસરને ઘટાડીને શહેરોમાં ખોરાકની ઉપલબ્ધતા જાળવી શકાય. જો સપ્લાય વહેલી તકે પુનઃ શરૂ નહીં થાય તો અનેક રેસ્ટોરન્ટો બંધ થવાની ભીતિ ઉદ્યોગકારો વ્યક્ત કરી રહ્યા છે.