Vadodara

અટલ બ્રિજ પર ટ્રક સેફ્ટી વોલ સાથે અથડાઈ: અંધારાના સામ્રાજ્ય વચ્ચે મોટી હોનારત ટળી!

લાઈટોના અભાવે વાહનચાલકો જીવના જોખમે પસાર થવા મજબૂર; તંત્ર સામે સ્થાનિકોનો ઉગ્ર રોષ

વડોદરા: શહેરના ટ્યુબ કંપની વિસ્તારમાં આવેલા અટલ બ્રિજ પર મોડી રાત્રે એક ટ્રક બ્રિજની સેફ્ટી વોલ સાથે ભટકાયાની ઘટના સામે આવી છે. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ બ્રિજ પર પૂરતી લાઈટો અને સુરક્ષા વ્યવસ્થાના અભાવે અવારનવાર અકસ્માતો સર્જાતા હોવાના આક્ષેપો સાથે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી મુજબ, ટ્યુબ કંપની સામે આવેલા અટલ બ્રિજની શરૂઆતમાં જ એક ટ્રક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક સીધી બ્રિજની સેફ્ટી વોલ સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે દીવાલને નુકસાન થયું હતું. જોકે, આ સમયે રસ્તો ખાલી હોવાથી મોટી હોનારત ટળી હતી. જો કોઈ ટુ-વ્હીલર કે ફોર-વ્હીલર વાહન ત્યાં હોત તો ગંભીર જાનહાનિ થઈ શકી હોત.
આ અંગે સ્થાનિક રહીશ રફીક પઠાણે જણાવ્યું હતું કે, “અટલ બ્રિજ પર ટ્યુબ કંપની પાસે લાઈટોની પૂરતી વ્યવસ્થા નથી. અંધારાને કારણે વાહનચાલકોને બ્રિજની શરૂઆત કે વળાંક સમજવામાં મુશ્કેલી પડે છે. અહીં અગાઉ પણ નાના-મોટા અકસ્માતો થયા છે. ખાસ કરીને વડીલો અને ટુ-વ્હીલર ચાલકો માટે આ જોખમી છે.”
સ્થાનિકોએ કોર્પોરેશન પાસે ઉગ્ર માંગ કરી છે કે બ્રિજ પર તાત્કાલિક ધોરણે પૂરતી લાઈટો લગાવવામાં આવે અને જ્યાં અકસ્માતનો ભય રહે છે ત્યાં જરૂરી રિફ્લેક્ટર્સ કે સુરક્ષા ચિહ્નો મૂકવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી જાનહાનિ ન થાય.

Most Popular

To Top