SURAT

મુગલિસરા બન્યું ‘શ્રી તાપી ભવન’!નામ બદલાયું, પણ ભ્રષ્ટાચારના આરોપો ફરી ઉછળ્યા

સુરત મહાનગર પાલિકાની મુખ્ય કચેરીના નામકરણનો નિર્ણય થતાં જ તેનું તાત્કાલિક અમલીકરણ કરવામાં આવ્યું છે. સામાન્ય સભામાં ઠરાવ પસાર થયા બાદ મોડી રાત્રે જ પાલિકા કચેરી બહાર નવા નામનું બોર્ડ લગાવી દેવામાં આવ્યું. હવે પાલિકાની મુખ્ય કચેરીને “શ્રી તાપી ભવન” તરીકે ઓળખ આપવામાં આવી છે, જ્યારે મોંઘલસરાઈ વિસ્તારનું નામ બદલી “તાપીપુરા” રાખવામાં આવ્યું છે.

પાલિકાના શાસકો અને વિપક્ષના સભ્યોની સર્વાનુમતે આ નામકરણને મંજૂરી આપવામાં આવી હોવાનું જણાવાયું છે. ટર્મ પૂર્ણ થવા પહેલા યોજાયેલી અંતિમ સામાન્ય સભામાં આ મહત્વનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો અને તરત જ તેનું અમલીકરણ શરૂ કરી દેવામાં આવ્યું.

જો કે આ નિર્ણય બાદ રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસના નેતા અસલમ સાયકલવાલાએ શાસકો અને વિપક્ષ બંને પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા મુજબ મોંઘલસરાઈ વિસ્તારના સ્થાનિક લોકોના મંતવ્ય જાણ્યા વગર નામકરણનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, શહેરના લોકોને પૂછ્યા વગર વિસ્તારનું નામ બદલવું યોગ્ય નથી.

અસલમ સાયકલવાલાએ વધુમાં આરોપ લગાવ્યો કે છેલ્લા પાંચ વર્ષમાં મેયરના શાસનકાળ દરમિયાન અનેક મોટા ભ્રષ્ટાચાર થયા છે અને તે છુપાવવા માટે નામકરણનો મુદ્દો આગળ ધપાવવામાં આવ્યો છે. કચરા કૌભાંડ સહિત અનેક ગેરરીતિઓના આરોપો લગાવી કહ્યું કે પાલિકામાં ભાજપના શાસકોએ ખાનગી પેઢી જેમ શાસન કર્યું , તેમણે વધુમાં મેટ્રો પ્રોજેક્ટને કારણે શહેરના લોકો પરેશાન હોવાનું, રોડ રસ્તાઓમાં ખાડા પડ્યા હોવા છતાં માળખાગત સુવિધાઓ આપવામાં નિષ્ફળતા જણાવી. તેમનું કહેવું છે કે આવી નિષ્ફળતાઓ છુપાવવા માટે નામ બદલવાનો રાજકીય સ્ટંટ કરવામાં આવ્યો છે.

વધુમાં સાયકલવાલાએ જણાવ્યું કે સુરતનો વિકાસ તાપી માતાના આશીર્વાદથી થયો છે અને શહેરના લોકો હંમેશા મા તાપીના ઋણી રહેશે. પરંતુ જો ખરેખર તાપી માતા પ્રત્યે સન્માન હોય તો ખટોદરા ખાતે બની રહેલી 27 માળની નવી પાલિકા કચેરીને પણ “શ્રી તાપી ભવન” નામ આપવામાં આવવું જોઈએ. તેમણે ભાજપ અને આપ બંને પર ભાઈ-બહેન બની ભ્રષ્ટાચાર કર્યાનો આરોપ લગાવી કહ્યું કે શહેરની જનતા આવું રાજકારણ ક્યારેય માફ નહીં કરે.

Most Popular

To Top