Vadodara

વડોદરા પાલિકાની કડક વેરા વસૂલાત, ₹2.92 લાખના ટેક્સ મામલે નવાયાર્ડના પેટ્રોલ પંપને લાગ્યા તાળાં

મ્યુનિસિપલ કોર્પોરેશનની વેરા વસૂલાત ઝુંબેશ તેજ, નોટિસ છતાં રકમ ન ભરતા લેવાયો નિર્ણય
વડોદરા: વડોદરા મહાનગરપાલિકા દ્વારા બાકી વેરાની વસૂલાત માટે આક્રમક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. લાંબા સમયથી વેરો ન ભરનારા મિલકતધારકો સામે પાલિકાએ કડક વલણ અપનાવ્યું છે. આ કાર્યવાહીના ભાગરૂપે શહેરના નવાયાર્ડ વિસ્તારમાં આવેલા એક પેટ્રોલ પંપને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ નવાયાર્ડ વિસ્તારમાં આવેલ સુરેન્દ્ર પી. પટેલના પેટ્રોલ પંપ પર અંદાજે ₹2.92 લાખથી વધુનો વેરો લાંબા સમયથી બાકી હતો. વડોદરા મહાનગરપાલિકાના ટેક્સ વિભાગ દ્વારા અગાઉ અનેકવાર નોટિસ પાઠવી વેરો ભરવા માટે સૂચના આપવામાં આવી હતી. તેમ છતાં સંચાલકો દ્વારા બાકી રકમ ભરવામાં ન આવતા પાલિકાની ટીમે સ્થળ પર પહોંચી પેટ્રોલ પંપને સીલ કરી દીધો હતો.

પાલિકાના કમિશ્નરે અગાઉ સ્પષ્ટ કર્યું હતું કે વારંવાર નોટિસ છતાં વેરો ન ભરનાર મિલકતધારકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જરૂરી હોય ત્યાં મિલકતો સીલ કે જપ્ત કરવાની કાર્યવાહી પણ હાથ ધરાશે.
ઉલ્લેખનીય છે કે નાણાકીય વર્ષના અંતને ધ્યાનમાં રાખીને કોર્પોરેશન દ્વારા વેરા વસૂલાત અભિયાન તેજ કરવામાં આવ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં બાકીદારો સામે સીલિંગ સહિતની કાર્યવાહી થતા અન્ય મિલકતધારકોમાં પણ ચકચાર ફેલાઈ છે.

Most Popular

To Top