Vadodara

બાકી વીજ બિલની વસુલાત માટે 13 માર્ચથી એમજીવીસીએલની મેગા ડ્રાઈવ

પેટા વિભાગીય કચેરીઓમાં આવતા તમામ વિસ્તારોમાં ટીમો મેદાનમાં ઉતરશે

વીજ બિલની બાકી રહેલી 100 ટકા રકમ તેમજ રી-કનેક્શન ચાર્જીસની સંપૂર્ણ ચુકવણી સબ-ડિવિઝન કચેરીમાં કર્યા બાદ જ કનેક્શન ફરીથી રી-કનેક્ટ કરવામાં આવશે

( પ્રતિનિધિ )વડોદરા,તા.10

મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા વર્ષમાં સમયાંતરે બાકી વીજ બિલની વસૂલાત કરવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવતી હોય છે. જેમાં ઘણી વખત વીજ ચોરી પણ પકડાતી હોય છે. ત્યારે આ વખતે નાણાકીય વર્ષ શરૂ થતા પૂર્વે 13 માર્ચથી વીજ કંપની દ્વારા મેગા ડિસ્કનેકસનની ડ્રાઇવ શરૂ કરવામાં આવનાર છે.

મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા તમામ ગ્રાહકોને સૂચિત કરવામાં આવ્યા છે કે, બાકી રહેલાં વીજ બિલની તાત્કાલિક અને સંપૂર્ણ ચુકવણી કરવી અનિવાર્ય છે. ડિસકનેક્શન જેવી કાર્યવાહીથી બચવા માટે સમયસર વીજ બિલની નિયમિત ચુકવણી કરવાની રહેશે. મેગા ડ્રાઈવ પૂર્વે બાકી રહેલાં વીજ બિલની સંપૂર્ણ રકમ જમા કરાવવી, જો મેગા ડિસકનેક્શન ડ્રાઈવના દિવસે કનેક્શન ડિસકનેકટ કરવામાં આવશે, તો વીજ બિલની બાકી રહેલી 100 ટકા રકમ તેમજ રી-કનેક્શન ચાર્જીસની સંપૂર્ણ ચુકવણી સબ-ડિવિઝન કચેરીમાં કર્યા બાદ જ કનેક્શન ફરીથી રી-કનેક્ટ કરવામાં આવશે. ગ્રાહક દ્વારા વીજબીલની રકમ કંપનીની સ્થાનિક કચેરી, નજીકના વિસ્તારના ઈ-ગ્રામ સેન્ટર, સી.એસ.સી. સેન્ટર તેમજ વિવિધ ઓનલાઈન પેમેન્ટ મોડસ, એમજીવીસીએલ વેબ પોર્ટલ અને વેબસાઈટ, ક્રેડીટ-ડેબીટ કાર્ડ, યૂઆર કોડ વિગેરે વિકલ્પો પૈકી કોઈ પણ વિકલ્પ દ્વારા ભરપાઈ કરી શકાય છે. નોંધનીય છે કે વીજ કંપનીઓ દ્વારા સમયાંતરે વીજ ચેકીંગની કાર્યવાહી હાથધરવામાં આવતી હોય છે. આ દરમિયાન જુદા જુદા વિસ્તારોમાંથી ગેરરીતિ સાથે લાખોની વીજ ચોરી પણ પકડાતી હોય છે. ત્યારે, આગામી 13 માર્ચથી વીજ કંપની દ્વારા બાકી વીજ બિલની વસુલાત માટે તમામ પેટા વિભાગીય કચેરીઓના વિસ્તારોમાં ડિસ્કનેક્શનની મેગા ડ્રાઈવ કરવામાં આવશે. જેમાં મોટી વીજ ચોરી પકડાય તે વાતને પણ નકારી શકાય તેમ નથી.

Most Popular

To Top