ગુજરાતમાં સતત વિકસતા પ્રવાસન સ્થળો અને આધુનિક સુવિધાઓના કારણે રાજ્યમાં પ્રવાસીઓની સંખ્યા નોંધપાત્ર રીતે વધી રહી છે. ગત વર્ષે ગુજરાતમાં કુલ 22.27 કરોડ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. સાથે જ વિદેશી પ્રવાસીઓને આકર્ષવામાં ગુજરાત દેશભરમાં ત્રીજા ક્રમે રહ્યું છે. વિધાનસભામાં માહિતી આપતા પ્રવાસન મંત્રી જીતુ વાઘાણીએ રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે કરવામાં આવેલી પહેલોની વિગતો રજૂ કરી હતી. મંત્રીએ જણાવ્યું હતું કે વર્ષ 2001-02 દરમિયાન રાજ્યનું પ્રવાસન બજેટ માત્ર રૂ. 12 કરોડ હતું, જે આજે વધીને રૂ. 2101.02 કરોડ થયું છે. જ્યારે પ્રવાસન, દેવસ્થાન વ્યવસ્થાપન, નાગરિક ઉડ્ડયન અને યાત્રાધામ વિકાસ સહિતના સમગ્ર પ્રવાસન વિભાગ માટે કુલ રૂ. 3089.63 કરોડની ઐતિહાસિક જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યના મુખ્ય યાત્રાધામોને હવે ‘સ્માર્ટ સ્પિરિચ્યુઅલ ડેસ્ટિનેશન’ તરીકે વિકસાવવા પર પણ ભાર મુકવામાં આવ્યો છે.
પ્રવાસન ક્ષેત્રે ખાનગી રોકાણ વધારવા માટે રાજ્ય સરકારે વિવિધ સમિટ્સ મારફતે મોટા પાયે MoU કર્યા છે. મહેસાણા VGRCમાં રૂ. 1236 કરોડના રોકાણ અને કચ્છ-રાજકોટ VGRCમાં રૂ. 1527 કરોડના સૂચિત રોકાણ માટે કરારો કરવામાં આવ્યા છે. ઉપરાંત PPP મોડલને પ્રોત્સાહન આપવા માટે ‘ગુજરાત-ટુર ડેવલપમેન્ટ કંપની’ (SPV) અને ‘ગુજરાત પ્રવાસન એડવાઇઝરી કાઉન્સિલ’ની સ્થાપનાની જાહેરાત પણ કરવામાં આવી છે. મંત્રીએ જણાવ્યું હતું કે સોમનાથ મંદિર પર થયેલા પ્રથમ આક્રમણના 1000 વર્ષ અને સરદાર પટેલના જીર્ણોદ્ધાર સંકલ્પના 75 વર્ષ પૂર્ણ થતાં “સોમનાથ સ્વાભિમાન પર્વ”ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત રાજ્યમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ, નવરાત્રી મહોત્સવ, રણ મહોત્સવ, સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ અને માધવપુર મેળા જેવા ઉત્સવોનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલની શાળા N.K. હાઇસ્કૂલ-નડિયાદને હેરિટેજ દરજ્જો આપીને વિકસાવવા માટે રૂ. 5 કરોડ ફાળવવામાં આવ્યા છે. ઉપરાંત જુનાગઢ ખાતે ગિરનારની તળેટીમાં યોજાતા પરંપરાગત મહાશિવરાત્રી મેળાના ભવ્ય આયોજન માટે રૂ. 15 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ભારત સરકારના ‘ઇન્ડિયા ટુરિઝમ ડેટા કમ્પેન્ડિયમ-2025’ મુજબ વિદેશી પ્રવાસીઓની પસંદગીમાં ગુજરાત દેશના ટોચના રાજ્યોમાં સામેલ થઈ ત્રીજા ક્રમે પહોંચી ગયું છે. એટલે કે દેશ સાથે વિદેશમાં પણ ગુજરાતનો દબદબો વધી રહ્યો છે. જય જય ગરવી ગુજરાત!