SURAT

7 વર્ષ જૂની માંગ પૂર્ણ: ‘મુઘલસરાઈ’નું નામ હવે ‘તાપી ભવન’, જયારે આસપાસનો ‘મુઘલસરા’ વિસ્તાર હવે ‘તાપીપુરા’ તરીકે ઓળખાશે

સુરત મહાનગર પાલિકાની વર્તમાન ટર્મની છેલ્લી સામાન્ય સભામાં શહેરના ઇતિહાસ સાથે જોડાયેલો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો. સભામાં બે મહત્વપૂર્ણ દરખાસ્તો રજૂ કરી સર્વાનુમતે મંજૂર કરવામાં આવી હતી. આ નિર્ણય મુજબ મનપાના મુખ્યાલય તરીકે ઓળખાતું ‘મુઘલસરાઈ’ હવે ‘તાપી ભવન’ નામે ઓળખાશે, જ્યારે આસપાસનો ‘મુઘલસરા’ વિસ્તાર હવે ‘તાપીપુરા’ તરીકે ઓળખાશે. આ દરખાસ્ત અધ્યક્ષ સ્થાને રહેલા દક્ષેશ માવાણી દ્વારા રજૂ કરવામાં આવી હતી. દરખાસ્ત રજૂ થતાં જ સભાખંડમાં હાજર તમામ નગરસેવકો ઊભા થઈ ગયા હતા અને બેન્ચ થપથપાવીને આ નિર્ણયનું સ્વાગત કર્યું હતું. કેટલાક નગરસેવકો દ્વારા “સનાતન ધર્મની જય” જેવા નારા પણ લગાવવામાં આવ્યા હતા. ખાસ વાત એ રહી કે વિપક્ષના નગરસેવકોએ પણ ઊભા રહી આ પ્રસ્તાવને સમર્થન આપ્યું, જેના કારણે બંને દરખાસ્તો સર્વાનુમતે પસાર થઈ ગઈ.

દરખાસ્ત રજૂ કરતી વખતે દક્ષેશ માવાણીએ સુરતના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે શહેરના ગૌરવશાળી ઇતિહાસ અને ઓળખને ધ્યાનમાં રાખીને નામ બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ‘મુઘલસરાઈ’નું નામ બદલવાની માંગ આજથી લગભગ સાત વર્ષ પહેલા ભાજપના નગરસેવક વિજય ચોમાલ દ્વારા ઉઠાવવામાં આવી હતી. લાંબા સમયથી ચાલી રહેલી આ માંગને અંતે મનપાની છેલ્લી સામાન્ય સભામાં મંજૂરી મળી છે. હવે આ નિર્ણય બાદ નામ બદલવાની પ્રક્રિયા આગળ વધશે અને સત્તાવાર રીતે મનપાના મુખ્યાલયને ‘તાપી ભવન’ અને આસપાસના વિસ્તારને ‘તાપીપુરા’ તરીકે ઓળખ આપવામાં આવશે.

Most Popular

To Top